ત્રણ રાજ્યની ફરિયાદોના નાણાં એક જ ખાતામાં જમા, કરોડોના વ્યવહારો પાધરા
સાયબર ક્રાઇમના ગુનાઓને ડામવા ‘મ્યુલ હન્ટ’ ઓપરેશન અંતર્ગત પશ્ચિમ કચ્છ સાયબર સેલની તપાસમાં નખત્રાણાના એક બેન્ક ખાતામાં 19.16 લાખથી વધુના શંકાસ્પદ સાયબર ફ્રોડના વ્યવહારો મળી આવ્યા છે. આ મામલે પોલીસે ખાતાધારક નવુભા સવાઇસિંહ સોઢા, નખત્રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી.
સેલના કોન્સ્ટેબલ દિનેશભાઇ માંગાભાઇ ચૌધરીએ આ ફરિયાદ દાખલ કરાવી હતી. જે મુજબ બેન્ક ઓફ બરોડા, નખત્રાણા શાખાના આરોપીના ખાતામાં આ શંકાસ્પદ વ્યવહારો મળી આવ્યા હતા. અલગ-અલગ રાજ્યમાંથી આ સંબંધિત ત્રણ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી હોવાનું બહાર આવ્યું હતું. આ ત્રણેય વ્યવહારોની રકમ 19,16,630 થાય છે. ખાતાધારકે સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરવા માટે ખાતાનો ઉપયોગ કર્યો હોવાની આશંકા છે. બેન્ક ખાતું ખોલાવ્યાની તારીખથી અંદાજે 41 કરોડથી વધુની રકમના વ્યવહારો થયાનું પણ ફરિયાદમાં નોંધાયું છે. ખાતાધારક તથા તપાસમાં સામે આવે તેવા અન્ય વ્યક્તિઓની ભૂમિકા અંગે તપાસ હાથ ધરવામાં આવી રહી હોવાનું પોલીસે કહ્યું હતું.

