ત્રણ શખ્સોનો બોલાચાલી બાદ હુમલો, ગંભીર ઈજા
ભુજ શહેરના ઉપલીપાળ વિસ્તારમાં વાહનનું હોર્ન વગાડવા જેવી નાનકડી બાબતે થયેલી બોલાચાલી ઉગ્ર બનતા 16 વર્ષના કિશોરને છરીના ઘા ઝીંકાયા હોવાની ઘટના પોલીસમાં નોંધાઈ છે. કિશોરને પેટના ભાગે ગંભીર ઈજા થતાં તેને જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે તેની માતા સાયરાબેન ઇસ્માઇલ સૈયદ, કેમ્પ એરિયા, ભુજએ ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ મુજબ, સાયરાબેનનો 16 વર્ષીય પુત્ર લકીઅલી તથા તેનો ભાણેજ અમન રાઠોડ એક્સેસ ગાડી લઇ બજારમાં ગયા હતા. દરમ્યાન ઉપલીપાળ જન્નત મસ્જિદ પાસે ઝઘડો થતા તેને છરી વાગી હતી. લકીઅલીએ પોલીસ સમક્ષ લખાવ્યું હતું કે, પાછળથી આવતી એક્ટિવાના ચાલકે હોર્ન મારતાં તેણે ગાડી ઉભી રાખી હતી અને હોર્ન મારવા બાબતે પૂછ્યું હતું. આથી એક્ટિવા ચાલક તથા તેની સાથેના બે શખ્સોએ બોલાચાલી કરી હતી. એક્ટિવા ચાલક આફ્રીદી ઈમરાન સુમરા, ભૂતેશ્વર, ભુજએ ખિસ્સામાંથી છરી કાઢી લકીઅલી પર હુમલો કર્યો હતો અને છરી પેટમાં વાગી હતી. ફરિયાદમાં હમજા સુમરા તથા હુશેન શોકત લોહાર, ભૂતેશ્વર ભુજના નામ પણ આરોપી તરીકે જણાવાયા છે. તેવું પોલીસ સાધનો દ્વારા જણાવાયું છે.

