શ્રમિકોની સેવાના ૬૬૬ રવિવાર સંપન્ન

૧૩ વર્ષથી અવિરત યજ્ઞમાં ર.રપ લાખ જરૂરતમંદ આવર્યા

નવચેતન ભગવાન મહાવીર માનવ કલ્યાણ કેન્દ્ર ભુજના ઉપક્રમે વિવિધ દાતાઓના સહયોગથી છેલ્લા ૧૩ વર્ષથી ભુજ શહેરમાં દર રવિવારે જરૂરતમંદ શ્રમજીવી પરિવારોની સેવાનો પ્રકલ્પ અવિરત છે. જેમાં દર રવિવારે ૩૦૦ જરૂરતમંદોને દ્વારે જઈને આહાર સાથે વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે આ સેવાના પ્રકલ્પના તાજેતરમાં ૬૬૬ મણકા સંપન્ન થયા છે જેમાં ર.રપ લાખ જરૂરતમંદોને રૂપિયા ૪પ લાખના ખર્ચે વિવિધ વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
સંસ્થાના મોભી જૈનસમાજ રત્ન અને કચ્છ શક્તિ રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા વેલજીભાઈ ગણેશભાઈ મહેતા તથા પ્રો. ચેરમેન હિરેન દોશીના જણાવ્યા પ્રમાણે શ્રમજીવી પરિવારોને મોંઘવારીમાં થોડી રાહત મળે તે હેતુથી આ સેવા પ્રકલ્પના મંડાણ ર૦૧૩ના થયા હતા. જેને આજે ૧૩ વર્ષ સંપન્ન થયા છે અને પ્રકલ્પના ૬૬૬ મણકા સંપન્ન થયા છે.
સંસ્થાના કાર્યકરો રવિવારની રજા માણવાના બદલે જરૂરતમંદ શ્રમજીવીઓની સેવા કરીને પોતાનો રવિવાર મનાવે છે.સંસ્થાની સેવા પ્રવૃતી માટે કચ્છ-વાગડ-મુંબઈ-પરદેશથી દાતાઓ સહયોગ માટે આગળ આવી રહ્યા છે સેવાના ૬૬૬મા મણકાના દિવસે જૈનાચાર્ય શ્રીમદવિજય આત્મદર્શનસૂરીશ્વરજી મ.સા. રૂબરૂ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યકરોને બિરદાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અન્ન દાન મહાદાન છે વર્ષોથી નિસ્વાર્થ ભાવે સેવા કરતા કાર્યકરોને બિરદાવી આ સેવા પ્રકલ્પને ચાલુ રાખવાના સંકલ્પ લેવડાવ્યા હતા. સંસ્થાના પ્રમુખ વી.જી. મહેતાના નેતૃત્વમાં પ્રો. ચેરમેન હિરેન દોશી, પ્રદિપભાઈ દોશી, શાંતિલાલ મોતા ભારતીબેન મેહતા, ભાવનાબેન જાેશી, કે.બી. પરમાર, ઓજશ શેઠ, ડો. રૂપાલીબેન મોરબીયા, રસીલાબેન દોશી, મીનાક્ષીબેન મોતા, અરવિંદ મહેતા, હર્ષદભાઈ નિર્મલ, પૂર્વીબેન નિર્મલ, વિજય મહેતા, ચિંતન મહેતા વિગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.