મુન્દ્રાની શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા “સફાઇગીરી”

વિદ્યાર્થીઓએ સ્વચ્છતાના સંકલ્પ લઈ જાગૃતિ ફેલાવવાની જવાબદારી સ્વીકારી

મુન્દ્રા-બારોઇ નગરપાલિકા અને ફ્લાઇવિંગ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે મુન્દ્રાની બે શિક્ષણ સંસ્થામાં બે દિવસીય ‘સફાઇગીરી અવેરનેસ’ (સફાઈ જાગૃતિ) કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત તારીખ ૧૨ના શેઠ આર.ડી. હાઇસ્કૂલ ખાતે અને તારીખ ૧૩-૧૦ના શેઠ નાનજી કાનજી કેનિયા ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે અલગ-અલગ જાગૃતિ કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમોમાં સી.કે.એમ. ગર્લ્સ હાઇસ્કૂલના આચાર્યા દમયંતીબેન, શેઠ આર.ડી. હાઇસ્કૂલના આચાર્ય સ્નેહલભાઈ તથા બંને શાળાના શિક્ષકગણે સહયોગ આપ્યો હતો.
વિદ્યાર્થીઓ દ્વારા સંકલ્પ કાર્યક્રમ દરમિયાન ઉત્સાહ દર્શાવ્યો હતો. વિદ્યાર્થીઓએ પોતાના ઘર, શાળા અને આસપાસના વિસ્તારને સ્વચ્છ રાખવાના સંકલ્પ લીધા હતા. આ સાથે જ પોતાના પરિવાર અને અડોસ-પડોસના લોકોને પણ સફાઇગીરી અને સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવાની જવાબદારી પોતાના શિરે લીધી હતી. ફ્લાઇવિંગ ફાઉન્ડેશનના પ્રમુખ ગીતાબેન બાપટએ મુન્દ્રા સહિત સમગ્ર કચ્છભરમાં આવા જાગૃતિ કાર્યક્રમો અવિરતપણે ચલાવવાની હાકલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, લોકો સ્વેચ્છાએ સ્વચ્છતા બાબતે જાગૃત થાય અને પોતાના ઘર, ઓફિસ, શાળા, શહેર તેમજ નદી-નાળાને સ્વચ્છ અને સુંદર બનાવવાની આ લડાઈમાં સક્રિય રીતે જોડાય. નગરપાલિકાના સીટી મેનેજર પુષ્પાબેન દ્વારા કચરાના વર્ગીકરણ તેમજ ગંદકીથી થતા આર્થિક અને આરોગ્યવિષયક નુકસાન અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.