નકલી આધારકાર્ડ બનાવતો ગુંદિયાળીનો યુવાન ઝડપાયો

ચાર આધારકાર્ડ સહિત કોમ્પ્યુટર, કલર પ્રિન્ટર અને લેમિનેશન મશીન કબજે

માંડવી મરીન પોલીસ સ્ટેશનની હદમાં અસલ આધારકાર્ડનો ઉપયોગ કરીને તેના જેવા જ બનાવટી આધારકાર્ડ તૈયાર કરવાના પ્રકરણમાં પશ્ચિમ કચ્છ પોલીસ જિલ્લાની લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગુંદિયાળી ગામના યુવકને ઝડપી પાડ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી બનાવટી આધારકાર્ડ બનાવી આર્થિક લાભ મેળવતો હોવાની વિગતો સામે આવી છે. કાર્યવાહી દરમિયાન પોલીસે આધારકાર્ડ અને તેની નકલો સહિત બનાવટ માટે ઉપયોગમાં લેવાતાં સાધનો કબજે કર્યાં છે. પોલીસે પકડેલા આરોપીની ઓળખ બિલાલ અબ્દુલરઝાક સુમરા ગુંદિયાળી તરીકે થઈ છે. પ્રાથમિક વિગતો મુજબ, અસલ આધારકાર્ડના આધારે તેના જેવાં જ બનાવટી કાર્ડ તૈયાર કરવામાં આવતાં હોવાની ફરિયાદને પગલે સ્થાનિક ગુનાશોધક શાખાએ આ કાર્યવાહી હાથ ધરી હતી.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ચાર આધારકાર્ડ તથા આધારકાર્ડની ઝેરોક્ષ નકલો અને આઈટીઆઈના સર્ટિફિકેટની નકલ કબજે કરી છે. આ ઉપરાંત, મારક્યુ કંપનીનું મોનિટર, ઝેબિયોન કંપનીનું સીપીયુ, પ્રોટોનિક્સ કંપનીનું માઉસ અને કી-બોર્ડ તથા તેના કેબલો મળી અંદાજે ૧૨ હજારની સાધનસામગ્રી જપ્ત કરવામાં આવી છે. કામગીરીમાં પી.આઈ. એ.એમ. મકવાણા, પી.એસ.આઈ. જે.બી. જાદવ અને એમ.એચ. શીણોલ, તેમજ એએસઆઈ દેવજીભાઈ મહેશ્વરી, અનિરુદ્ધસિંહ રાઠોડ, સુરજભાઈ વેગડા અને હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, મૂળરાજભાઈ ગઢવી તથા લીલાભાઈ દેસાઈ જોડાયા હતા.