રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન વચ્ચે લાંબાગાળાની સહભાગિતાનો પ્રારંભ
રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝની પરોપકારી શાખા ‘ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન’ દ્વારા લાંબાગાળાની સહભાગિતા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે, તેનો હેતુ સમગ્ર ભારતમાં દસ લાખ બાળકીઓ અને યુવતીઓના સશક્તિકરણનો છે.
આ કાર્યક્રમ 14 થી 20 વર્ષની વયની ગ્રામીણ અને શહેરી બંને સમુદાયોની બાળકીઓ અને યુવતીઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે, તે અંતર્ગત તેમનામાં જીવન કૌશલ્ય અને આત્મવિશ્વાસ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેની શરૂઆત મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી થશે, ભવિષ્યમાં દેશના અન્ય રાજ્યોમાં પણ વિસ્તરણ કરવાની યોજના છે.
આ પહેલ યુવતીઓ અને બાળકીઓમાં ડિજિટલ તેમજ નાણાકીય સાક્ષરતા ફેલાવવામાં મદદ કરશે અને તેમને શૈક્ષણિક અભ્યાસક્રમો, તાલીમ અને આજીવિકા જેવા ભવિષ્યના માર્ગો વિશે માહિતગાર કરશે, જેથી તેઓ પોતાના જીવનના આગામી તબક્કા વિશે યોગ્ય નિર્ણય લઈ શકે.
આ ભાગીદારી અંગે વાત કરતા રિલાયન્સ ફાઉન્ડેશનના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે, “હું માનું છું કે દરેક બાળકી પાસે મોટું સપનું જોવાનો આત્મવિશ્વાસ, નેતૃત્વ કરવાની હિંમત અને પોતાની આકાંક્ષાઓ પૂરી કરવાની તક હોવી જોઈએ. મને ખુશી છે કે આ ભાગીદારી થકી રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન એક મિલિયન બાળકીઓ અને યુવતીઓની સંપૂર્ણ ક્ષમતાને સાકાર કરવા માટે જરૂરી મક્કમતા પૂરી પાડવા માટે એક થઈ રહ્યા છે – જે વ્યક્તિથી લઈને તેમના પરિવાર અને સમગ્ર સમુદાય સુધી વિસ્તરતા એક શક્તિશાળી પરિવર્તનની શરૂઆત કરશે.”
ધ એસ્ટે લોડર કંપનીઝના પ્રેસિડેન્ટ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર તથા ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશનના પ્રેસિડેન્ટ સ્ટેફન ડી લા ફેવેરીએ જણાવ્યું હતું કે “ભારતમાં બાળકીઓ અને યુવતીઓ માટે વધુ તકો ઊભી કરવા રિલાયન્સ ફાઉન્ડેશન સાથે ભાગીદારી કરવાનો અમને ગર્વ છે, જે તેમનામાં આધુનિક કાર્યો માટેના માનવસમૂહમાં જોડાવા માટે અને સફળ થવા માટે જરૂરી કૌશલ્યોનું નિર્માણ કરશે.
મહિલાઓ અને યુવતીઓની પ્રગતિને આગળ ધપાવવાના સહિયારા સંકલ્પ સાથે આ કાર્યક્રમ બે સંસ્થાઓને એકસાથે લાવે છે. આ ભાગીદારી એવા સમયે થઈ રહી છે જ્યારે ભારતનો આર્થિક વિકાસ અભૂતપૂર્વ તકો રજૂ કરી રહ્યો છે, જ્યાં કાર્યક્ષમ માનવસમૂહમાં મહિલાઓની ભાગીદારી વધારવી એ પરિવર્તન માટેની મુખ્ય ચાવી બની રહેશે.
રિલાયન્સ ફાઉન્ડેશન મહિલાઓ અને યુવતીઓના સશક્તીકરણની પરિવર્તનકારી શક્તિમાં વિશ્વાસ ધરાવે છે. 2010 થી વિવિધ લક્ષ્યાંકો સાથેની પહેલ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન શિક્ષણ, રમતગમત અને આજીવિકાની તકોમાં વધારો કરી રહ્યું છે, જેનાથી સર્વગ્રાહી રીતે મહિલાઓ અને યુવતીઓ આત્મનિર્ભર અને સક્ષમ બની રહી છે.
આ કાર્યક્રમ દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન અને ધ એસ્ટે લોડર કંપનીઝ ચેરિટેબલ ફાઉન્ડેશન મહિલાઓ અને યુવતીઓ માટે પ્રગતિ, તકો અને સશક્તીકરણને ઝડપી બનાવવાના તેમના સહિયારા વિઝનને આગળ ધપાવી રહ્યા છે. તેવું કંપની દ્વારા જણાવાયું છે.

