હવે ગરબી તમારે આંગણે… ફળિયે અને ચોકે ત્રણ તાળીનો તાલ

ભુજમાં નવતર પહેલ સમાન હરતીફરતી નમો નવરાત્રીનો પ્રારંભ

અત્યારના સમયમાં ચોમેર ધંધાકીય હેતુસર કરાતા વ્યવસાયી નવરાત્રીના જમાવડા વચ્ચે સામાન્ય વ્યક્તિ માટે પોતાના ઘરના આંગણે, ફળિયામાં કે વિસ્તારમાં ગરબી સામેથી આવે તેવી નવતર કહી શકાય તેવી પહેલ નમો નવરાત્રી દ્વારા આરંભાઈ છે. જિલ્લા મથક ભુજ ખાતે હરતીફરતી નમો નવરાત્રીના સ્વરૂપમાં આ આયોજન શરૂ કરી દેવામાં આવ્યું છે.ભાવેશ લકી સેવા સ્મૃતિ ગ્રુપ ડુમરા, રાજપૂત કરણી સેના ગુજરાત અને સ્વ. નરેન્દ્રસિંહ માધવસિંહ જાડેજા ચેરીટેબલ ટ્રસ્ટ નલિયાના સંયુક્ત ઉપક્રમે નમો હરતીફરતી ગરબીનો વિધિવત પ્રારંભ ભુજમાં સંસ્કાર નગર વિસ્તારમાં અબડાસાના પૂર્વ ધારાસભ્ય નરેન્દ્રસિંહ જાડેજાના નિવાસસ્થાન વિસ્તારથી મંગળવારે સાંજે કરવામાં આવ્યો હતો.
આ અવસરે આયોજક સંસ્થાઓના હોદેદારો, કાર્યકરો અગ્રણીઓ વગેરે હાજર રહ્યા હતા.
હાલના સમયમાં હાઈફાઈ અને વ્યવસાયી નવરાત્રીનો દૌર કચ્છભરમાં ચાલી રહ્યો છે ત્યારે સામાન્ય સ્થિતિનો વ્યક્તિ આવી મોંઘીદાટ નવરાત્રીમાં જઈ શકતો નથી. ફરતી નમો નવરાત્રી દ્વારા છેવાડાના અને જરૂરતમંદ લોકો પોતાની શેરીમાં કે ચોકમાં મન મૂકીને મહાશક્તિની ઉપાસના કરી શકે તેવા ઉમદા ભાવ સાથે રથ દ્વારા ફરતી ગરબીનું આયોજન અમલી બનાવાયું છે. આ અંતર્ગત કોઈપણ ઠેકાણે ભુજમાં આયોજન કરી અપાશે તેવું આયોજકોએ કહ્યું હતું.
નમો ફરતી ગરબીનો ગીત અને સંગીતની તમામ હાઈફાઈ વ્યવસ્થા સાથેનો રથ શેરી, ચોક અને મહોલ્લામાં પહોંચી લોકોને ગરબે અને દાંડિયા રમાડવા સાથે શક્તિની ભક્તિની આરાધના તેમના ઘરઆંગણે દશેરા સુધી કરાવશે તેવી વિગતો પ્રારંભ સમયે અપાઈ હતી.
આ અંગેની વધુ વિગતો આપતા અગ્રણી વિક્રમસિંહ જાડેજાએ કહ્યું હતું કે આ નવરાત્રી રથમાં બે ઢોલ, બે શરણાઈ, ઓક્ટોપેડ, બેઝ્ડ્રમ સહિતના અત્યારના યુગના સંગીતના સાધનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સાથેસાથે અધતન લાઈટો સાથે સુપર સાઉન્ડ પણ લગાડવામાં આવ્યા છે આ રથની ખાસિયત એ છે કે જેમ હાઈફાઈ નવરાત્રીમાં લોકો આનંદ મેળવે છે તેવો જ આનંદ આ રથ સાથેની ગરીબીથી મળશે. દરેક સમાજના લોકોને શેરી અથવા ચોકમાં તેઓ રથ મંગાવવા માગતા હોય તો લક્કી ગ્રુપના નયનભાઈ ડુડીયા , નમો ગ્રુપના કુશલ ઠક્કર અને લકી ગ્રુપના કાર્યકરોનો સંપર્ક કરવા તેમણે જણાવ્યું હતું.
દરમ્યાન સંસ્કાર નગર ખાતે પ્રારંભ નિમિતે આયોજક સંસ્થાઓના વીરભદ્રસિંહ જાડેજા, રાજેશ પલણ, અર્પિત ઠક્કર, નયન ડુ ડીયા , જયદીપસિંહ જાડેજા, કુશલ ઠક્કર, વિક્રમસિંહ જાડેજા, સંજય ત્રિપાઠી, રશ્મિકાંત ઠક્કર, કૈલેશભાઈ ગણાત્રા, નિર્મલ ગોર, ઉપરાંત સ્વ. નરેન્દ્રસિંહ જાડેજાના પરિવારજનો, વિસ્તારના અગ્રણીઓ અને રહેવાસીઓ ઉપસ્થિત રહીને ગરબે રમ્યા હતા. હરતીફરતી નમો નવરાત્રીના માધ્યમથી દશેરા સુધી ભુજમાં બેથી ત્રણ વિસ્તારને આવરી લેવાશે તેવી વિગતો અપાઈ હતી.