મુન્દ્રાની કોર્ટનો ચુકાદો, ચાર લાખના વળતરનો આદેશ
નાણાકીય વ્યવહારમાં . ચાર લાખની રકમના બદલામાં આપવામાં આવેલો ચેક પરત થતાં દાખલ થયેલા કેસમાં મુન્દ્રાની અધિક ચીફ કોર્ટ દ્વારા સજા અને વલતરનો ચુકાદો આપવામાં આવ્યો છે. આ કેસમાં આરોપી કાનજી આસમલ મહેશ્વરીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારવામાં આવી છે. સાથે જ ફરિયાદીને ચાર લાખનું વળતર ચુકવવાનો હુકમ પણ કરવામાં આવ્યો છે. આ કેસની વિગતો મુજબ, ફરિયાદી મનજીભાઈ રાણા મહેશ્વરી અને આરોપી કાનજી મહેશ્વરી વચ્ચે પરિચયના સંબંધો હોવાથી બંને વચ્ચે નાણાકીય લેવડદેવડ થતી હતી. આરોપીને ધંધાના કામ માટે નાણાંની જરૂર પડતાં તેણે ફરિયાદી પાસે ચાર લાખની માંગણી કરી હતી. ફરિયાદીએ આરોપીને ચાર લાખ રોકડા હાથ ઉછીના આપ્યા હતા. આ રકમ પરત આપવા અંગે આરોપીએ કરાર કરી આપ્યો હતો. આ રકમની સુરક્ષા પેટે આરોપીએ એક્સિસ બેંકની દહીસરા શાખાના બે ચેક ફરિયાદીને આપ્યા હતા. નિર્ધારિત તારીખે નાણાં પરત માંગવામાં આવતાં આરોપીએ થોડો સમય માગ્યો હતો. ત્યારબાદ તેણે નાણાંની વ્યવસ્થા થઈ ગઈ હોવાનું જણાવી ફરિયાદી પાસેથી અગાઉ આપેલા બંને ચેક પરત લીધા હતા. તેમાંથી એક ચેકમાં ચાર લાખનો ચેક આપ્યોહતો. ફરિયાદીએ આ ચેક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, મુંદરા શાખામાં જમા કરાવ્યો હતો. જોકે, ચેક પરની સહીમાં વિસંગતતા હોવાના કારણે ચેક રિટર્ન થયો હતો. આથી ફરિયાદીએ આરોપી સામે નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ 138 હેઠળ આ ફરિયાદ દાખલ કરી હતી. કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવેલા મૌખિક અને દસ્તાવેજી પુરાવા તથા કાયદાકીય જોગવાઈઓને ધ્યાનમાં લઈને ફરિયાદીનો દાવો સાબિત માનવામાં આવ્યો હતો. કોર્ટે આરોપીને દોષિત ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા ફટકારી હતી. વધુમાં, ફરિયાદીને વળતર પેટે ચાર લાખની રકમ ચુકાદાની તારીખથી ત્રણ મહિનાની અંદર ચૂકવી આપવા પણ હુકમ કર્યો હતો. આ કેસમાં ફરિયાદી પક્ષે ભુજના ધારાશાસ્ત્રી કે.પી. ગઢવી હાજર રહ્યા હતા અને દલીલો કરી હતી.

