ભાદરવા સુદ દશમ અગિયારસે યોજાશે મેળો, મુંબઈ સહિત વાગડ પંથકમાંથી શ્રદ્ધાળુઓ ઉમટશે
ભચાઉ-સામખિયાળી વચ્ચેના નેશનલ હાઈવે પર રામદેવજી મહારાજના મંદિર ખાતે તા. 21 અને 22 સપ્ટેમ્બર દરમિયાન પરંપરાગત બે દિવસીય મેળો યોજાશે. આ મેળાને લઈને મેળા સમિતિ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મેળા દરમિયાન શ્રદ્ધાળુઓને કોઈ અગવડ ન પડે તે માટે પીવાના પાણી, સ્વચ્છતા, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા સહિતની વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. પૂર્વ કચ્છના પ્રસિદ્ધ રામદેવપીરના આ મેળામાં દર વર્ષે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે ઉમટી પડે છે.
મેળા સમિતિના પ્રમુખ નરસંગજી જાડેજાના અધ્યક્ષસ્થાને તથા ઉપપ્રમુખ નરસંગજી વાઘેલા અને હરભુજી જાડેજાના માર્ગદર્શન હેઠળ મેળાની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ભાદરવા સુદ દશમની સાંજે વાગડ વિસ્તારના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના વિશેષ મહાનુભાવોની ઉપસ્થિતિમાં મેળાનો શુભારંભ કરવામાં આવશે. રાત્રિના સમયે વિજપાસરથી પૂજારી મહેન્દ્રસિંહ જાડેજા નેજો લઈને આવશે અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં નેજા ચઢાવવાની ધાર્મિક વિધિ યોજાશે.
આ બે દિવસીય મેળામાં મૂળ વાગડના પરંતુ મુંબઈ સહિતના વિવિધ શહેરોમાં વસતા પટેલ, આહીર, ઓસવાલ તેમજ વિવિધ સમાજના પરિવારો ઉપસ્થિત રહે તેવી સંભાવના છે.
દરમ્યાન રામદેવપીર મેળાને લઈને અમદાવાદ – ભુજ – અમદાવાદ નમો ભારત રેપિડ રેલ (૯૪૮૦૧/૯૪૮૦૨): અમદાવાદ – ભુજ – અમદાવાદ નમો ભારત રેપિડ રેલ (ટ્રેન નંબર ૯૪૮૦૧/૯૪૮૦૨)માં પણ મેળાના વધારાના ટ્રાફિકને પહોંચી વળવા કામચલાઉ ધોરણે સ્ટોપની સુવિધા મંજૂર કરવામાં આવી છે ટ્રેન નંબર ૯૪૮૦૧: તા. ૨૧.૦૯.૨૦૨૬ થી ૨૩.૦૯.૨૦૨૬ સુધી. ટ્રેન નંબર ૯૪૮૦૨: તા. ૨૨.૦૯.૨૦૨૬ થી ૨૪.૦૯.૨૦૨૬ સુધી આ ટ્રેન વોન્ધ સ્ટેશન પર ૦૬:૪૩ / ૦૬:૪૪ વાગ્યે અને ૨૧:૦૮ / ૨૧:૦૯ વાગ્યે રોકાણ કરશે

