લાયજાના રેતી ખનન મામલે અંતે ઉચ્ચ સ્તરે રાવ

રાજકીય અગ્રણી-એડવોકેટની લેખિત વિસ્તૃત રજૂઆત

માંડવી તાલુકાના મોટા લાયજા ગામની નદીમાંથી થઈ રહેલી રેતીની ચોરી રોકવા માટે નરેન્દ્ર મોદી વિચાર મંચના લીગલ સેલના રાજ્ય અધ્યક્ષ એડવોકેટ ભુજના મગન રાજીયા ગઢવી દ્વારા કચ્છ જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
આ પત્રમાં એડવોકેટ ગઢવીએ આરોપ લગાવ્યો છે કે, મોટા લાયજા ગામની સરકારી નદીમાંથી લાંબા સમયથી જાહેરમાં મોટા પાયે રેતીની ચોરી થઈ રહી છે. આ અંગે ખાણ-ખનિજ વિભાગ અને માંડવી પોલીસને અગાઉ પુરાવા સાથે અવારનવાર જાણ કરવામાં આવી હોવા છતાં, હજુ સુધી આ રેતી ચોરી અટકાવવામાં આવી નથી. માંડવી પોલીસ સ્ટેશનના રેકોર્ડ પર આ બાબત હોવા છતાં કોઈ નક્કર એફ.આઈ.આર. નોંધવામાં આવી નથી, જેના કારણે સરકારી સંપત્તિને ભારે નુકસાન થઈ રહ્યું છે. પત્રમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે, ખાણ-ખનિજ વિભાગ દ્વારા પણ માંડવી પોલીસને આ નદીમાં રૂપિયા બે કરોડથી વધુની રેતી ચોરી થઈ હોવાનો લેખિતમાં અભિપ્રાય ઘણા સમયથી આપ્યો છે. તેમ છતાં જવાબદાર અધિકારીઓ આ ગેરકાયદેસર પ્રવૃત્તિ રોકવામાં નિષ્ફળ રહ્યા છે. આથી, રાષ્ટ્રીય સંપત્તિ બચાવવા, ગેરકાયદેસર રેતી ખનન અટકાવવા અને આ મામલે બેદરકારી દાખવનાર જવાબદાર અધિકારીઓ સામે ખાતાકીય તપાસ તેમજ કાયદેસરની કાર્યવાહી કરવાની માગ પત્રમાં કરવામાં આવી છે. આ મામલે ધારાશાસ્ત્રી મગનભાઈ ગઢવી દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી સહિતના ઉચ્ચ સત્તાધીશોને પણ વાકેફ કરાયા છે.