અંજાર ખાતે સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ

વાંચન સંસ્કૃતિનો વ્યાપ વધારી સાંસ્કૃતિક વિકાસમા યોગદાન આપશે

અંજાર ખાતે ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાના હસ્તે સરકારી તાલુકા પુસ્તકાલયનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે રાજ્યમંત્રી શ્રી છાંગાએ જણાવ્યું હતું કે, શાળા અને કોલેજોની સમીપ જ ગ્રંથાલયરૂપી મંદિરનું નિર્માણ થવાથી વિદ્યાર્થીઓ, યુવાનો અને નાગરિકો માટે વાંચનની ઉત્કૃષ્ટ સુવિધા ઉપલબ્ધ થઈ છે. તેમણે પુસ્તકાલયમાં તમામ વયજૂથના વાચકો માટે ઉપયોગી પુસ્તકો જળવાઈ રહે અને ભવિષ્યમાં આ કેન્દ્ર ‘ઈ-લાઇબ્રેરી’ તરફ આગળ વધે તેવા સકારાત્મક પ્રયાસો પર ભાર મૂક્યો હતો.
તેમણે ઉમેર્યું હતું કે અંજારમાં પણ વાચન સંસ્કૃતિનો વ્યાપ વધશે, જે શહેરના શૈક્ષણિક અને સાંસ્કૃતિક વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.
આ પ્રસંગે નગરપતિ ધર્મિષ્ઠાબેન ખાંડેકાએ જણાવ્યું હતું કે, કોલેજની બિલકુલ નજીકમાં જ લાઇબ્રેરીની સુવિધા ઉપલબ્ધ થવાથી વિદ્યાર્થીઓને અભ્યાસ અને જનરલ નોલેજ સંબંધિત પુસ્તકો મેળવવામાં મોટી અનુકૂળતા રહેશે. રાજકોટ વિભાગના મદદનીશ ગ્રંથાલય નિયામક અનિષાબેન સુમરાએ જણાવ્યું હતું કે, “ગ્રંથાલય એ માત્ર એક મકાન નથી, પરંતુ એક જીવંત જ્ઞાનકેન્દ્ર છે. પુસ્તકો જ્યારે વાચકોના હાથમાં પહોંચે છે ત્યારે જ ગ્રંથાલયનું સાચું અસ્તિત્વ સાર્થક થાય છે. નગરપાલિકા ઉપપ્રમુખ પરેશભાઈ માલસત્તર ,
કારોબારી ચેરમેન પ્રકાશભાઈ લોદરીયા, શિક્ષણ સમિતિના ચેરમેન બલરામભાઈ જેઠવા, શાસક પક્ષના નેતા આશિષભાઈ ઉદવાણી, દંડક ગીરીશભાઈ પરમાર , નગરસેવકો સોનલ મહેતા, સંદીપાબેન સોની, ક્રિપાલસિંહ રાણા, આગેવાન હિતેનભાઈ વ્યાસ, ડેનીભાઈ શાહ સહિત નગરપાલિકાના પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, વિદ્યાર્થીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.