ઉપાસક શ્રેણીમાં વરસોની સેવાની નોંધ સાથે સરાહના
તેરાપંથ ધર્મસંઘ ભુજમાં આચાર્ય મહાશ્રમણજીની પ્રેરણા અને આજ્ઞાથી ઉપાસક શ્રેણીમાં પોતાની સેવા આપી રહેલા પ્રભુલાલ નાગજીભાઈ મહેતા તથા નરેન્દ્ર મનસુખભાઈ મહેતા ધર્મસંઘની આધ્યાત્મિક સેવામાં સક્રિય રહીને ધર્મજાગૃતિનું કાર્ય કરી રહ્યા છે. ઉપાસક શ્રેણી ધર્મસંઘની આધ્યાત્મિક પ્રવૃત્તિઓને જન-જન સુધી પહોંચાડવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે. જ્યાં સાધુ-સાધ્વી અથવા સમણ-શ્રમણીઓનું પ્રત્યક્ષ રીતે પહોંચવું શક્ય ન હોય તેવા વિસ્તારોમાં ઉપાસક-ઉપાસિકાઓ ધર્મની ચેતના, સંયમ, સાધના અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ લોકો સુધી પહોંચાડે છે. આ જવાબદારીને પ્રભુલાલભાઈ મહેતા અને નરેન્દ્રભાઈ મહેતા નિભાવી રહ્યા છે તે અનુમોદનીય અને અનુકરણીય હોવાનું જણાવાયું છે.
આ વર્ષના પર્યુષણ મહાપર્વ દરમિયાન પણ બંને ઉપાસક ભાઈઓએ પોતાના વ્યક્તિગત સાધનાના ક્ષેત્રને વિસ્તૃત કરતાં વિવિધ વિસ્તારોમાં જઈને ધર્મારાધના, તપ, સંયમ તથા આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ શ્રાવક-શ્રાવિકાઓ સુધી પહોંચાડવાનો પુરુષાર્થ કર્યો હતો. તેમની વર્ષોથી ચાલી આવતી ધર્મસેવા, ગુરુઆજ્ઞા પ્રત્યેની અખંડ શ્રદ્ધા, સાધના પ્રત્યેનું સમર્પણ અને ધર્મસંઘ પ્રત્યેની નિષ્કામ ભાવના બદલ તેમની અનુમોદના વ્યક્ત કરવામાં આવી હતી. તેવું એક યાદીમાં અણુવ્રત સમિતિ ભુજના અધ્યક્ષ તથા રાષ્ટ્રીય કાર્યકારિણી સદસ્ય મહેશ પ્રભુલાલ મહેતાએ જણાવ્યું હતું.

