ચાર સી.એ. અને વચેટિયાઓ આરોપીના રોલમાં, બોગસ ફોર્મના આધારે વિદેશમાં નાણાં મોકલવાનો આરોપ
ગાંધીધામ ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આવકવેરા વિભાગ દ્વારા ₹804.30 કરોડના આર્થિક કૌભાંડ અંગે ફરિયાદ નોંધાવવામાં આવી છે. આવકવેરા વિભાગના ઇન્સ્પેક્ટર નિખિલ પાટીદાર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે 4 ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને 5 વચેટિયા સહિત નવથી વધુ સામે ગુનાહિત કાવતરું, છેતરપિંડી અને ખોટા દસ્તાવેજો બનાવવાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
તારીખ 18 ઓગસ્ટના અમદાવાદ આવકવેરા વિભાગની તપાસ શાખા દ્વારા ગાંધીધામ ખાતે સી.એ. શાખા સાથે જોડાયેલા લોકો સામે સર્ચ અને સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટોએ કંપનીઓના કોઈ હિસાબી ચોપડા, કરાર કે યોગ્ય દસ્તાવેજોની ચકાસણી કર્યા વગર જ ગેરકાયદેસર રીતે બોગસ ફોર્મ, પ્રમાણપત્રો ઈશ્યૂ કર્યા હતા. આ પ્રમાણપત્રોનો ઉપયોગ કરીને ભારત બહાર નાણાં મોકલવામાં આવ્યા હતા અને સરકાર સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હતી.
પોલીસ ફરીયાદમાં દર્શાવ્યા મુજબ બોગસ પ્રમાણપત્રો ઇશ્યૂ કરનાર મુખ્ય સી.એ.માં
પુનીલકુમાર અતુલકુમાર દાંડ (સી.એ. પુનીલ દાંડ એન્ડ એસોસિએટ્સ, કોર્પોરેટ પાર્ક, ગાંધીધામ),
નિખિલ અવધેશ મિશ્રા (ગુરુકુલ સિટી સેન્ટર, ગાંધીધામ),
રાહુલ સાધુ (સી.એ. રાહુલ સાધુ એન્ડ એસોસિએટ્સ, નિલેશ પાર્ક, સેક્ટર 8, ગાંધીધામ) અને
કરણ અગ્રવાલ (મે. કરણ પી. અગ્રવાલ એન્ડ એસોસિએટ્સ, આદિનાથ આર્કેડ 2, ગાંધીધામ)નો સમાવેશ થાય છે.
સી.એ. કક્ષાના આરોપીઓની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેઓએ કંપનીઓના વાસ્તવિક ડિરેક્ટરો કે માલિકોને બદલે માત્ર વચેટિયાઓ સાથે જ આર્થિક વ્યવહારો કર્યા હતા. આ કૌભાંડમાં મદદગારી કરનાર વચેટિયાઓ સામે પણ નામજોગ ગુનો દાખલ થયો છે. રવિન્દ્ર શિશુપાલ કેલા (શક્તિનગર, ગાંધીધામ),
પ્રવિણ જૈન,
શૈલેન્દ્ર શેહરાવત ઉર્ફે સાહિલ ભાઈ ઉર્ફે વકીલ સાહેબ,
આલોક મિતલ,
અજયકુમાર અખાનિનો આમાં સમાવેશ થાય છે.

