સામાખિયાળી–ભચાઉ સેક્શનમાં રેલવેનું ચૌહરીકરણ પૂર્ણ

પશ્ચિમ રેલ્વેના અમદાવાદ મંડળે રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરતાં સામાખિયાળી–ભચાઉ રેલખંડ પર ચૌહરીકરણનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે. મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ દ્વારા તા. 31 જુલાઈથી 2 ઑગસ્ટ, 2026 દરમિયાન આ સેક્શનનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તા. 30.07.2026ના સામાખિયાળી–ભચાઉ વચ્ચે નવી બનાવવામાં આવેલી અપ અને ડાઉન રેલ લાઇન પર લોકોમોટિવ એન્જિનનું સફળ સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું. અંદાજે 17 કિલોમીટર લાંબા આ નવા વિકસિત સેક્શન પર સફળ એન્જિન ટ્રાયલ પ્રોજેક્ટની પ્રગતિમાં એક મહત્વપૂર્ણ પગલું છે. આ સેક્શનનું નિરીક્ષણ ટૂંક સમયમાં રેલવે સુરક્ષા આયુક્ત દ્વારા કરવામાં આવશે. નિરીક્ષણ બાદ રેલવે સુરક્ષા આયુક્તની અંતિમ મંજૂરી મળ્યા પછી આ રેલખંડ પર ટ્રેનોનું સંચાલન શરૂ કરવામાં આવશે. આ સિદ્ધિથી કચ્છ ક્ષેત્રની રેલ કનેક્ટિવિટી, માલપરિવહન ક્ષમતા તથા સંચાલન કાર્યક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે. તેવું રેલવે તંત્રએ જાહેર કર્યું છે. કુલ 32.90 કિલોમીટર લંબાઈમાં આ નવી રેલ લાઇન વિકસાવવામાં આવી છે, જેમાં ડાઉન લાઇન 16.398 કિલોમીટર અને અપ લાઇન 16.502 કિલોમીટરનો સમાવેશ થાય છે. સમગ્ર 32.90 કિલોમીટર ક્ષેત્રમાં નવા ટ્રેક પાથરવાનું તથા લિંકિંગ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. તેવી વિગતો જાહેર કરાઈ છે.પડકારજનક ભૌગોલિક પરિસ્થિતિઓ વચ્ચે 6.25 લાખ ઘનમીટર અર્થવર્ક, 1.27 લાખ ઘનમીટર બ્લેન્કેટિંગ તથા 0.96 લાખ ઘનમીટર બેલાસ્ટ પાથરવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. તો ભારે રેલ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને 4 મોટા પુલ તથા 25 નાના પુલનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે. સત્તાવાર સાધનોના જણાવ્યા મુજબ સામાખિયાળી, વોંધ અને ભચાઉ સ્ટેશનો પર જરૂરી રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ઉપરાંત ચાર રેલ લાઇનોને અનુરૂપ 9 લેવલ ક્રોસિંગ (સમપાર ફાટકો)નું પણ વિસ્તરણ કરવામાં આવ્યું છે.મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ વેદ પ્રકાશને ટાંકીને તંત્રે જણાવ્યું હતું કે પશ્ચિમ રેલ્વે પોતાના રેલ નેટવર્કને વધુ સક્ષમ, સુરક્ષિત અને ભવિષ્યની જરૂરિયાતોને અનુરૂપ વિકસાવવા માટે સતત કાર્યરત છે. આ જ દિશામાં અમદાવાદ મંડળના સામાખિયાળી–ભચાઉ રેલખંડ પર ચૌહરીકરણ પ્રોજેક્ટ પૂર્ણ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ કચ્છ ક્ષેત્રમાં વધતા રેલ ટ્રાફિકના દબાણને ઘટાડવા તથા બંદર આધારિત માલપરિવહનને વધુ સરળ અને ઝડપી બનાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.સામાખિયાળી–ભચાઉ રેલખંડ કચ્છના ઔદ્યોગિક વિસ્તારો તેમજ કંડલા અને મુન્દ્રા બંદરોને દેશના મુખ્ય રેલ નેટવર્ક સાથે જોડતો અત્યંત મહત્વપૂર્ણ માર્ગ છે. આ જ રેલખંડ મારફતે ભુજ, ગાંધીધામ, વાયોર તથા આસપાસના વિસ્તારોમાં પણ મોટા પાયે માલપરિવહન કરવામાં આવે છે. હાલમાં આ રેલખંડ મારફતે અમદાવાદ મંડળનું સર્વાધિક ગ્રોસ મિલિયન ટન લોડિંગ પરિવહન થાય છે. સતત વધી રહેલા રેલ ટ્રાફિકને ધ્યાનમાં રાખીને આ માર્ગ પર વધારાની રેલ લાઇનોની જરૂરિયાત લાંબા સમયથી અનુભવાઈ રહી હતી. ચૌહરીકરણ કાર્ય પૂર્ણ થતાં આ રેલખંડની લાઇન ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે, જેના પરિણામે ટ્રેનોનું સંચાલન વધુ સુરક્ષિત, સમયબદ્ધ અને સુવ્યવસ્થિત રીતે થઈ શકશે.આ પ્રોજેક્ટના પરિણામે ટ્રેનોની સરેરાશ ગતિમાં પણ વધારો થશે, સંચાલન સંબંધિત વિલંબમાં ઘટાડો આવશે તથા વ્યસ્ત સમયગાળા દરમિયાન ટ્રાફિકનું વધુ અસરકારક સંચાલન શક્ય બનશે. સાથે સાથે ભવિષ્યમાં નવી મુસાફર ટ્રેનો અને માલગાડીઓ શરૂ કરવાની તેમજ વધારાના ફેરા ચલાવવાની સંભાવનાઓ પણ વધશે.પ્રોજેક્ટ સંપૂર્ણપણે કાર્યરત થયા બાદ કંડલા અને મુન્દ્રા બંદરોથી કન્ટેનર, પેટ્રોલિયમ ઉત્પાદનો, ખાતર, અનાજ, મીઠું તથા અન્ય વિવિધ માલસામાનના પરિવહનને નવી ગતિ મળશે. માલગાડીઓનો ટર્નઅરાઉન્ડ સમય ઘટશે, વેગનોનો વધુ અસરકારક ઉપયોગ થશે તેમજ લોજિસ્ટિક્સ ખર્ચમાં ઘટાડો થશે, જેના કારણે ઉદ્યોગ, વેપાર તથા નિકાસ ક્ષેત્રને સીધો લાભ મળશે.વાણિજ્યિક સંચાલન શરૂ કરતા પહેલાં જરૂરી સુરક્ષા મંજૂરી, અંતિમ નિરીક્ષણ તથા નિર્ધારિત ગતિ પરીક્ષણની તમામ ઔપચારિકતાઓ ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. તેવું રેલવે વિભાગે કહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *