ગાંધીધામમાં તિરંગા યાત્રાથી રાષ્ટ્રપ્રેમ છલકાયો

જિલ્લા કક્ષાનું આયોજન :વિકસિત ભારત સાર્થક કરવા હાકલ

ગાંધીધામ ખાતે શુક્રવારે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા યોજાઈ હતી. યાત્રાને પ્રસ્થાન શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા અને શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા દ્વારા સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, ધારાસભ્યો અને મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે કરાવ્યું હટતું વિવિધ સમાજ અને સેવાભાવી સંસ્થાઓએ પુષ્પવર્ષા કરીને યાત્રાને આવકારી હતી.
જિલ્લા વહીવટીતંત્ર અને ગાંધીધામ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા ગાંધીધામ ખાતે યોજાઈ હતી. યાત્રા દરમિયાન દેશભક્તિના માહોલ સાથે ઉપસ્થિત જનમેદનીને ઝંડા ચોક ખાતે સંબોધન કરતાં શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી શ્રી અમૃતિયાએ યુવાનોને દેશની અમૂલ્ય મૂડી ગણાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સપનાને સાકાર કરવા અનુરોધ કર્યો હતો. દેશની પ્રગતિમાં જ આપણા સૌની પ્રગતિ છે એ વાતને જ પ્રાથમિકતા આપીને રાષ્ટ્રપ્રથમની જવાબદારીનું વહન કરવા તેમણે જણાવ્યું હતું.
ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી શ્રી છાંગાએ પ્રાસંગિક પ્રવચન કરતા જણાવ્યું હતું કે, વિભાજનની પીડા શું હોય તે ગાંધીધામ શહેર જેટલું કોઈ જ ન સમજી શકે. તેઓએ આઝાદી સમયે ભાગલા અને ગાંધીધામ શહેરની સ્થાપનાનો ઉલ્લેખ કરીને કહ્યું કે, આ મહાનગર અનેક પીડાઓ સહન કરીને આજે વિકાસના પંથે અવિરત દોડી રહ્યું છે. કચ્છ મોરબીના સાંસદ વિનોદભાઈ ચાવડાએ સ્વાગત પ્રવચન કર્યું હતું.
તિરંગા યાત્રાને રૂટ દરમિયાન ઠેર-ઠેર પંજાબી સમાજ, મારવાડી સમાજ, ઉત્તર ભારતીય સમાજ, લોહાણા (ઠક્કર) સમાજ, સિંધી સમાજ, કેરલા સમાજ, બ્રહ્મ સમાજ, ગોરખા સમાજ, દેવી પૂજક સમાજ, આંધ્ર સમાજ, મલયાલમ સમાજ, પટેલ સમાજ, ઉડીયા સમાજ, આહીર સમાજ, ભરવાડ સમાજ સહિત વિવિધ સમાજ તેમજ અનેક સેવાભાવી સંસ્થાઓએ પુષ્પવર્ષા કરીને આવકારી હતી. યાત્રામાં સ્કૂલના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, સશસ્ત્ર દળો, વિવિધ સમાજો સહિત સેવાભાવીઓએ જોડાઈને દેશભક્તિમય વાતાવરણ ઊભું કર્યું હતું.
યાત્રા મહાત્મા ગાંધી પ્રતિમા (ગાંધી માર્કેટ)થી શરૂ થઈ મુખ્ય બજાર, ભાઈપ્રતાપ સર્કલ અને સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમા થઈ ઝંડાચોક ખાતે સંપન્ન થઈ હતી.
આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ, ગાંધીધામ મહાનગરપાલિકા મેયર દિવ્યાબેન નાથાણી, ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરી, જિલ્લા ભાજપના અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલભાઈ આચાર્ય, ભીમજીભાઈ જોધાણી અને હિતેશભાઈ ખંડોર, કલેક્ટર અનિલ રાણાવસિયા, મહાનગરપાલિકા કમિશનર બી.ડી. ડવેરા, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, અંજાર પ્રાંત અધિકારી સુરેશ ચૌધરી, ગાંધીધામ મામલતદાર જાવેદ સિંધી સહિત પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.