કચ્છ સહિત દેશમાં 25 હજાર જગ્યા ભરાશે
કચ્છ સહિત દેશને 25 હજાર નવા ગ્રામિણ ટપાલ સેવક મળવાના સંજોગો સર્જાયા છે. ધોરણ 10 પાસ કર્યુ હોય તેવા ઉમેદવારો માટે આ અંગેની ભરતી માટે વ્યાયામ હાથ ધરાયો છે. કચ્છ જિલ્લામાં પણ ગ્રામિણ ટપાલ સેવકની અનેક જગ્યા અત્યારે વણ ભરાયેલી છે. આવી ખાલી જગ્યાઓ પણ આ ભરતી બાદ ભરાશે તેવી આશા જાગી છે.
સતાવાર સાધનો દ્વારા પ્રાપ્ત જાણકારી મુજબ ગ્રામિણ ડાક સેવક, બ્રાન્ચ પોસ્ટમાસ્ટર અને આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની કુલ 25 હજાર જગ્યા માટે ભરતી કરવામાં આવશે.
31 ઓગસ્ટથી 19 સપ્ટેમ્બર સુધી ઉમેદવારો ઓનલાઈન ફોર્મ ભરી આ માટે અરજી કરી શકશે. આ માટેની ન્યુનતમ શૈક્ષણિક લાયકાત ધોરણ 10 પાસ રાખવામાં આવી છે. તો ધોરણ 10માં ગણિત અને અંગ્રેજી વિષય સાથે પાસ હોવું આ માટે આવશ્યક રખાયું છે. ઉપરાંત ઉમેદવાર માટે સ્થાનિક ભાષાનું જ્ઞાન અને કમ્પ્યુટરનું સામાન્ય જ્ઞાન હોવા પણ જરૂરી મુકરર કરાયા છે.
સાધનોએ વધુમાં કહ્યું હતું કે ઉમર મર્યાદા 18થી 40 વર્ષ નક્કી કરાઈ છે. અનામત વર્ગના ઉમેદવારોને નિયમ મુજબ છૂટછાટ આપવામાં આવશે. નોંધપાત્ર બાબત આ માટે એ છે કે આ ભરતી માટે લેખિત પરીક્ષા નથી. ધોરણ 10ના ગુણના આધારે જ પસંદગી કરવામાં આવશે. આ ભરતી મારફતે પસંદ થયેલા ઉમેદવારોને 15 દિવસની અંદર સંબંધિત યુનિટ ઓફિસમાં દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે. તેવું જણાવી વિગતવાર માહિતી અને ઓનલાઈન અરજી માટે ઈન્ડિયા પોસ્ટની સત્તાવાર વેબસાઇટનો ઉપયોગ કરવા જણાવાયું છે.

