લાંબા સમયથી ગેરહાજર રહેતા બરતરફ કરાયા
અંજાર એસટી ડેપોમાં ફરજ બજાવતા ૯ કંડક્ટર અને ૨ ડ્રાઇવર કોઈ પણ આગોતરી મંજૂરી કે જાણ કર્યા વિના ઘણા લાંબા સમયથી ફરજ પર ગેરહાજર રહેતા હતા. આ કર્મચારીઓની સતત અનિયમિતતા અને ગેરહાજરીના કારણે એસટી ડેપોના રોજના સંચાલનમાં ભારે મુશ્કેલીઓ ઊભી થતી હતી. એટલું જ નહીં, બસ સેવાઓ ખોરવાવાને કારણે મુસાફર જનતાને પણ દરરોજ મોટી અગવડતાઓનો સામનો કરવો પડતો હતો. એસટી તંત્રએ શિસ્ત અને મુસાફરોની સગવડતાને પ્રાધાન્ય આપીને, ડેપો મેનેજર એચ. આર. શામરાએ આ તમામ ૧૧ કર્મચારીને ઘરભેગા કરવાનો આકરો નિર્ણય લીધો છે. વિભાગીય નિયામક એસટી ભુજના માર્ગદર્શન હેઠળ ખાતાકીય તપાસ બાદ આ નવ કંડક્ટર અને બે ડ્રાઇવરને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે. એસ.ટી. નિગમના આ કડક વલણથી ફફડાટ વ્યાપી ગયો છે.

