મુંદરામાં કંપનીના ગોદમમાંથી સાત ટન માલની ચોરી

સાડા પાંચ લાખથી વધુનો જથ્થો ચોરી જવાયો, તપાસ શરૂ

મુંદરા તાલુકામાં ટુંડાવાંઢ વિસ્તારમાં કાર્યરત જશ એનર્જી પ્રા.લિ. કંપનીના ગોડેમમાંથી સાત ટન ગેલ્વેનાઈઝ્ડ સામાનની ચોરી થયાની ફરિયાદ બહારઆવી છે. પર્લીન, ટ્યુબ કનેક્ટર, યુ-બોલ્ટ અને પીન ગેસકેટ સહિતના સામાનની ચોરી થતાં કંપનીના લોજિસ્ટિક્સ મેનેજરે ફરિયાદ નોંધાવી હતી. ચોરાયેલા માલની કિંમત 5.60 લાખ દર્શાવવામાં આવી છે. મૂળ ઉત્તરપ્રદેશના ગાંજીપુર જિલ્લાના રહેવાસી ચંદ્રકેશ રામરાજ પાલ (ટુંડાવાંઢ)ની આ ફરિયાદ મુજબ, જશ એનર્જી કંપની સોલાર પ્લાન્ટ માટે જરૂરી સામગ્રીનું ઉત્પાદન કરે છે. કંપનીમાં તૈયાર થતો માલ ગોડાઉનમાં સંગ્રહિત રાખવામાં આવે છે અને ખાવડા વિસ્તારમાં વિવિધ કંપનીઓના સોલાર પ્લાન્ટ માટે ટ્રેલર મારફતે મોકલવામાં આવે છે.
તા.09-10ના સવારે 10 વાગ્યે ફરિયાદી કંપનીમાં નોકરીએ પહોંચ્યા હતા. તે દરમિયાન ગોડાઉનમાં રાખેલા ગેલ્વેનાઈઝ્ડ સામાનની તપાસ કરતાં પર્લીન, ટ્યુબ કનેક્ટર, યુ-બોલ્ટ અને પીન ગેસકેટ સહિતનો માલ ઓછો જણાયો હતો. વધુ તપાસ કરતાં તા.01-10થી તા.09-10 દરમિયાન રાત્રિના કોઈ સમયે અજાણ્યા શખ્સો સામાનની ચોરી કરી ગયા હતા.
ફરિયાદમાં અગાઉ પણ કંપનીમાંથી ગેલ્વેનાઈઝ્ડ સામાનની વારંવાર ચોરી થઈ હોવાનું જણાવાયું છે.