ભાજપ મહિલા મોરચાના પ્રદેશ ઉપાઘ્યક્ષ પુત્ર સહિત ચારની ધરપકડ
સાડા ચાર કરોડન ઘરેણાંની ઠગાઈના પ્રકરણમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ઈકોનોમિક ઓફેન્સ શાખાએ કચ્છ સાથે જોડાણ ધરાવતા રાજકીય પરિવારના યુવાન સહિત ચાર આરોપીની ધરપકડ કરી છે.
ઠગાઈના આ કેસમાં મુખ્ય આરોપી અનિલ ભીખાભાઈ વિભાણી, તેની પત્ની વિમ્મી, પુત્ર વેદાંત અને જમાઈ શિવમ ગઢવીની ધરપકડ કરી તેમના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે. અનિલની પુત્રી રાજવી પણ આ કેસમાં આરોપી છે, પરંતુ તે હાલ હાથમાં ન આવ્યાનું પોલીસે કહ્યું છે.
આ કેસમાં સૌથી વધુ ચર્ચામાં આવેલું નામ મુંદરાના શિવમ ગઢવીનું છે. શિવમ પ્રદેશ ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ તથા જિલ્લા ભાજપ મંત્રી છાયાબેન ગઢવીનો પુત્ર છે. તેના પિતા એડવોકેટ વિશ્રામ ગઢવી મુંદરા તાલુકા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે. અન્ય આરોપીઓ તેના સાસરિયા પક્ષના સભ્યો છે.
પોલીસના જણાવ્યા મુજબ, અનિલ વિભાણી પોતે રિયલ એસ્ટેટ અને ગોલ્ડ બ્રોકર હોવાની ઓળખ ઊભી કરી પરિવાર સાથે જ્વેલરી શોરૂમમાં જતો હતો. મોંઘી જ્વેલરી ખરીદી અને પોતાની આર્થિક સધ્ધરતાનો દેખાવ કરી જવેલર્સનો વિશ્વાસ જીત્યા બાદ ઉધારીમાં દાગીના મેળવી લેતો હતો અને બાદમાં રૂપિયા ચૂકવવામાં કે દાગીના પરત કરવામાં આનાકાની સાથે બહાનાબાજી કરતો હતો.
ફેબ્રુઆરી 2025માં અભિષેક ઝવેરીના શોરૂમમાંથી રૂ.1.69 કરોડની ડાયમંડ તથા ગોલ્ડ જ્વેલરી લેવામાં આવી હતી. મે 2023માં હરુભાઈ ઝવેરી પાસેથી રૂ.26.33 લાખની જ્વેલરી, ઓક્ટોબરથી ડિસેમ્બર 2024 દરમિયાન ઝવેરી એન્ડ કંપની પાસેથી રૂ.43.95 લાખની તથા મે-જૂન 2023 દરમિયાન એસ.આર. ગોલ્ડન જવેલર્સ પાસેથી રૂ.2.05 કરોડની જ્વેલરી લેવાયાનું ફરિયાદમાં લખાવ્યું છે.
એસીપી એમ.એન. ચાવડાના જણાવ્યા મુજબ, શિવમ ગઢવીની પણ આ સમગ્ર પ્રકરણમાં સંડોવણી સામે આવી છે. અનિલ સામે અગાઉથી જ વિવિધ પોલીસ મથકોમાં ઠગાઈના અનેક ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું છે.
અનિલ સામે અન્ય એક બિઝનેસમેન સાથે રૂ.23.37 લાખની ઠગાઈ, સુરતના ઉમરા પોલીસ સ્ટેશનમાં રૂ.5.35 લાખની ઠગાઈ તથા જાણીતા લોકગાયક કીર્તિદાન ગઢવીની ગરબા ઈવેન્ટ માટે સ્પોન્સર અપાવવાના બહાને રૂ.4.75 કરોડની ઠગાઈની ફરિયાદ પણ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે.
અગાઉ પોલીસે અનિલની મર્સિડિઝ, રેન્જ રોવર સહિતની કાર અને બેન્ક લોકરમાંથી કરોડોનું સોનું પણ જપ્ત કર્યું હતું.
બીજી તરફ શિવમના પિતા વિશ્રામ ગઢવીએ પ્રચાર માધ્યમો સમક્ષ આરોપોને નકારી કાઢતાં કહ્યું છે કે શિવમ અને તેમના વેવાઈના પરિવારને ખોટી રીતે ગુનામાં જોડવામાં આવ્યા છે. તેમના જણાવ્યા મુજબ આર્થિક વ્યવહારના વિવાદને ફોજદારી સ્વરૂપ આપવામાં આવ્યું છે

