એકાદ કરોડની જમીન દબાણથી મુક્ત કરાવાઈ
અંજાર શહેરના શેખ ટીંબા વિસ્તારમાં રહેતાં અને વિવિધ ગુનામાં જેમની સંડોવણી અગાઉ બહાર આવી ચૂકી છે તેવા પાંચ ઈસમના પાંચ ગેરકાયદે મકાન જમીનદોસ્ત કરી નાખવાની કાર્યવાહી હાથ ધરાઈ હતી. અંજાર ખાતે સ્થાનિક પોલીસે સુરક્ષા બંદોબસ્ત વચ્ચે હાથ ધરેલી આ કાર્યવાહીમાં અંદાજે એક કરોડની જમીનને દબાણમુક્ત કરાવાઇ હોવાનું પોલીસ સાધનોએ જણાવ્યું હતું. જેમના ગેરકાયદે બાંધકામ દૂર કરાયા છે તે ઇસમોમાં શબ્બીર ઊર્ફે પિચ્છુ સુલતાનશા શેખ, મહમદ ઊર્ફે પોપટ અબ્દુલ સત્તાર કક્કલ, અબ્બાસ ઈબ્રાહિમ શેખ, કાસમ ઉર્ફે ભૂરો જુસબશા શેખ અને અસલમ ઊર્ફે મુંડી હાજીશા શેખનો સમાવેશ થતો હોવાની વિગતો પોલિસે જાહેર કરી હતી. દારૂ, છેતરપિંડી, ધાકધમકી, ચોરી, કેફી દ્રવ્યો, જુગાર, પશુ અત્યાચાર સહિતના વિવિધ ગુનાઓ સાથે આ પાંચ ઇસમનો ઇતિહાસ જોડાયેલો હોવાનું પણ જણાવાયું હતું.

