પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક (ડીઆરએમ) વેદ પ્રકાશે ગાંધીધામ રેલવે સ્ટેશન, ગાંધીધામ રેલવે કોલોની, ગાંધીધામ રેલવે ક્વાર્ટર્સ તેમજ જુના કંડલા રેલવે કોલોનીનું નિરીક્ષણ કરી રેલવે કર્મચારીઓ માટે ઉપલબ્ધ આવાસીય સુવિધાઓ, સ્ટેશન પરની મુસાફર સુવિધાઓ તેમજ વિસ્તારમાં ચાલી રહેલા વિકાસકાર્યોની સમીક્ષા કરી હતી. નિરીક્ષણ દરમિયાન ડીઆરએમે રેલવે કોલોનીમાં રહેતા કર્મચારીઓ અને તેમના પરિવારજનો સાથે સંવાદ કરી તેમની સમસ્યાઓ, સૂચનો અને જરૂરિયાતોની જાણકારી મેળવી હતી. તેમણે સંબંધિત અધિકારીઓને તમામ પ્રશ્નોનું પ્રાથમિકતાના આધારે તાત્કાલિક નિરાકરણ લાવવા તેમજ કર્મચારીઓને વધુ સારું આવાસીય વાતાવરણ ઉપલબ્ધ કરાવવા સૂચના પણ આપી હતી. રેલવે આવાસીય પરિસરોમાં ઉપલબ્ધ પાયાની સુવિધાઓ, સ્વચ્છતા, જાળવણી, પીવાના પાણીની વ્યવસ્થા, વીજ પુરવઠો, હરિયાળી તેમજ સુરક્ષા વ્યવસ્થાનું પણ નિરીક્ષણ કરવા સાથે તેમણે અધિકારીઓને રેલવે કર્મચારીઓ માટે આધુનિક અને ગુણવત્તાસભર આવાસીય સુવિધાઓના વિકાસ માટે વ્યાપક કાર્યયોજના તૈયાર કરી તબક્કાવાર જરૂરી કામો ઝડપથી પૂર્ણ કરવા નિર્દેશ જારી કર્યા હતા.
ડીઆરએમે ગાંધીધામ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરીને મુસાફર સુવિધાઓ, સ્વચ્છતા વ્યવસ્થા, પ્રતીક્ષાલય, પ્લેટફોર્મ, સ્ટેશન પરિસર તથા ચાલી રહેલા વિકાસકાર્યોની માહિતી મેળવી હતી . તેમણે અધિકારીઓને મુસાફરોને સુરક્ષિત, સુગમ અને વધુ સારી મુસાફરીનો અનુભવ મળી રહે તે માટે તમામ વિકાસકાર્યોમાં ગતિ લાવવા તેમજ મુસાફર સુવિધાઓમાં સતત સુધારો સુનિશ્ચિત કરવા કહ્યું હતું. ડીઆરએમ વેદ પ્રકાશે જણાવ્યું: “અમદાવાદ મંડળનો હેતુ માત્ર રેલ સંચાલનને વધુ મજબૂત બનાવવાનો જ નથી, પરંતુ રેલવે કર્મચારીઓને વધુ સારી આવાસીય અને જીવનસ્તરની સુવિધાઓ તેમજ મુસાફરોને સુરક્ષિત, સ્વચ્છ અને આધુનિક રેલવે માળખાકીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પણ છે. ગાંધીધામ રેલવે સ્ટેશન, રેલવે કોલોનીઓ અને કંડલા પોર્ટ વિસ્તારના નિરીક્ષણ દરમિયાન પ્રાપ્ત થયેલા સૂચનો અને જરૂરિયાતોના આધારે વિકાસકાર્યોને પ્રાથમિકતા સાથે આગળ વધારવામાં આવશે.
પોતાના પ્રવાસ દરમિયાન ડીઆરએમે કંડલા પોર્ટના ચેરમેન સાથે બેઠક પણ યોજી હતી. બેઠક દરમિયાન ભારતીય રેલવે અને કંડલા પોર્ટ વચ્ચેના સમન્વયને વધુ મજબૂત બનાવવો, માલ પરિવહન ક્ષમતામાં વધારો, રેલવે માળખાકીય સુવિધાઓનો વિસ્તાર, લોજિસ્ટિક્સ કાર્યક્ષમતામાં વધારો તેમજ ભવિષ્યની સંયુક્ત વિકાસ યોજનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બંને પક્ષોએ વિસ્તારમાં ઔદ્યોગિક તથા બંદર આધારિત રેલ પરિવહનને વધુ અસરકારક બનાવવા માટે પરસ્પર સહયોગ વધુ મજબૂત બનાવવાની સહમતિ વ્યક્ત કરી હતી.
રેલવે કર્મચારીઓ માટે આધુનિક આવાસની અને મુસાફરો માટે શ્રેષ્ઠ સુવિધાના વિકાસ પર ભાર મૂકાયો

