ત્રીજી અને ચોથી લાઇન માટે સુરક્ષા નિરીક્ષણનો પ્રારંભ
રેલવે તંત્ર દ્વારા સામખિયાળી–ભચાઉ ચૌહરીકરણ પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઇનનું સીઆરએસ સંરક્ષા નિરીક્ષણ બુધવારથી આરંભાયુ હતું. ગુરુવાર સુધી આ કામગીરી ચાલુ રહેશે. પ્રથમ દિવસે સામખિયાળીથી ભચાઉ સુધીની નવી ડાઉન મેઇન-2 લાઇનનું નિરીક્ષણ, સમપાર ફાટક, પુલ તેમજ સંરક્ષા વ્યવસ્થાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં આ ચોહરીકરણ પ્રોજેક્ટ અંતર્ગત નવી નિર્મિત ત્રીજી અને ચોથી રેલવે લાઇન પર મુસાફર ટ્રેન સેવાઓ શરૂ કરવામાં આવે તે પહેલાં રેલ સુરક્ષા આયુક્ત (પશ્ચિમ સર્કલ) ઈ. શ્રીનિવાસ દ્વારા વિસ્તૃત સુરક્ષા નિરીક્ષણના પ્રથમ તબક્કાની શરૂઆત સામખિયાળી રેલવે સ્ટેશનથી કરવામાં આવી હતી. આ પ્રસંગે અમદાવાદ મંડળના મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશ તેમજ મુખ્ય પ્રશાસનીક અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા સહિત નિર્માણ અને ઓપન લાઇન વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.
નિરીક્ષણના પ્રથમ દિવસે રેલ સંરક્ષા આયુક્તે પ્રસ્તાવિત ડાઉન મેઇન-2 લાઇન પર સામખિયાળીથી ભચાઉ વચ્ચેના લગભગ 16.40 કિલોમીટર લાંબા રેલખંડનું મોટર ટ્રોલી દ્વારા સુરક્ષા નિરીક્ષણ કર્યું હતું. આ નિરીક્ષણ દરમિયાન નવી રેલ લાઇનની ગુણવત્તા, ટ્રેક જ્યોમેટ્રી, રેલ વેલ્ડિંગ, લેવલ ક્રોસિંગ, સિગ્નલ અને દૂરસંચાર પ્રણાલી, ઓવરહેડ ઇલેક્ટ્રિક સાધન, રેલ સંરક્ષાના ધોરણો તેમજ સંચાલન સંબંધિત વ્યવસ્થાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
રેલ સંરક્ષા આયુક્તે સામખિયાળી રેલવે સ્ટેશનના યાર્ડ, સંચાલન વ્યવસ્થા, સિગ્નલિંગ પ્રણાલી, ઇન્ટરલોકિંગ, પોઇન્ટ મશીનો તેમજ સ્ટેશન પર ઉપલબ્ધ વિવિધ સુરક્ષા ઉપકરણોનું પણ નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત વોંધ રેલવે સ્ટેશનનું પણ નિરીક્ષણ કરી ત્યાં સ્ટેશનની સંચાલન ક્ષમતા, યાર્ડનું લેઆઉટ, સિગ્નલિંગ વ્યવસ્થા, યાત્રી સુવિધાઓ તેમજ સંબંધિત વ્યવસ્થાઓનું અવલોકન કરીને સંબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
સમપાર ફાટક પર મંડળ રેલ પ્રબંધક વેદ પ્રકાશે સ્થાનિક નાગરિકો સાથે સંવાદ પણ કર્યો હતો. સ્થાનિક નાગરિકોએ સમપાર ફાટક બંધ રહેવાના કારણે થતી અસુવિધા, લાંબા સમય સુધી રાહ જોવી પડતી હોવાની તેમજ વૈકલ્પિક માર્ગ દ્વારા અવરજવર કરવાની સમસ્યાઓ અંગે તેમને અવગત કર્યા હતા. આ અંગે મંડળ રેલ પ્રબંધકે સંબંધિત અધિકારીઓને જનહિતને ધ્યાનમાં રાખીને સમસ્યાના ત્વરિત અને વ્યવહારુ ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવાની સૂચનાઓ આપી હતી. દરમ્યાન નિરીક્ષણના આગામી તબક્કામાં તારીખ 6 ઓગસ્ટ, 2026ના ઇલેક્ટ્રિક લોકોમોટિવ સાથે 120 કિમી પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ હાથ ધરવામાં આવશે.

