સરકારી આરોગ્ય કેંન્દ્રમાં એક્સપાયરી ડેટ દવાઓ !!

સતાપક્ષના સત્તાધીશોની તપાસમાં મામલો સપાટીએ

રાપર તાલુકાના ચિત્રોડ ગામ ખાતે કાર્યરત સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એક્સપાયરી થયેલી દવાઓનો જથ્થો મળતાં ચકચાર સર્જાઈ છે. સાથોસાથ આ પ્રકરણે અનેક સવાલો ઉભા કર્યા છે. રાપર તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશ ઢીલા, જિલ્લા પંચાયત સભ્ય સુરેશભાઈ મકવાણાએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મુલાકાત લીધી તે વેળાએ આ મામલો બહાર આવ્યો છે. સતાપક્ષના આ પદાધિકારીઓની તપાસ દરમિયાન દવાઓ, ગોળીઓ એક્સપાયરી હાલત જોવા મળી હતી અને અમુક કર્મચારી પણ ગેરહાજર જોવા મળ્યા હોવાનું બહાર આવ્યું છે. દરમ્યાન ખુદ સરકારી આરોગ્ય કેન્દ્રમાં મુદત પૂર્ણ થયેલી દવાઓનો જથ્થો મળતાં દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યા હોવાના ગંભીર સવાલો ઊભા થવા સાથે અન્યત્ર શું સ્થિતિ હશે તેના સહિતની સંલગ્ન વિગતો ચર્ચામાં આવી છે.ચિત્રોડ આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરનાર પ્રતિનિધિઓએ માંગ કરી છે કે રાપર તાલુકાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો અને સમુદાય આરોગ્ય કેન્દ્રોમાં પણ આવી જ તપાસ હાથ ધરવી જોઈએ.