કચ્છ જિલ્લા પંચાયતના નેતા તરીકે કોંગ્રેસ દ્વારા નિરોણાં બેઠક ઉપરથી વિજયી થયેલા યુવા આગેવાન રાજેશ (રાજુ) મમુભાઈ આહીર ઉપર પસંદગીનો કળશ ઢોળાયો છે.કોંગ્રેસ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચના માર્ગદર્શન અન્વયે આ મહત્વની નિમણૂક કરાઈ છે. પક્ષના જિલ્લા અધ્યક્ષ વી.કે. હૂંબલ દ્વારા શુક્રવારે આ વરણીની વિધિવત ઘોષણા કરાઈ હતી.
મૂળ નખત્રાણા તાલુકાના જીંદાય ગામના વતની આહીર પરિવારના સભ્ય રાજેશ આહીર ગત ચૂંટણીમાં પ્રતિષ્ઠાભરી નીરોણા બેઠક ઉપરથી વિજેતા બન્યા હતા. રાજેશ આહીર આ અગાઉ તાલુકા પંચાયત , નખત્રાણા તાલુકા સંગઠન પ્રમુખ અને અન્ય મહત્વના હોદ્દા ઉપર પણ સેવા આપી ચુક્યા છે.વ્યવસાયે ટ્રક ટ્રાન્સપોર્ટ સાથે જોડાયેલા રાજેશ આહીર અને તેમના પરિવારે ભુજને કર્મભૂમિ બનાવી છે. તેમના પિતા મમુભાઈ વેલજી આહીર લિગ્નાઇટ આધારિત ટ્રાન્સપોર્ટ વ્યવસાયના અગ્ર હરોળના મોભી તરીકે કાર્યરત છે. તેઓ પણ નખત્રાણા તાલુકાના પક્ષના પ્રમુખ સહિત અનેક મહત્વના પદ ઉપર સેવા આપી ચુક્યા છે.કચ્છ જિલ્લાના વિવિધ પ્રશ્નોને વાચા મળે અને લોકોની સમસ્યાનું સવેળા નિરાકરણ લાવી શકાય તેવી કામગીરીનો અભિગમ રાખવાની નિમણૂક બાદ રાજેશ અહિરે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી.
દરમ્યાન જિલ્લા કોંગ્રેસની યાદી મુજબ પક્ષના વિવિધ હોદેદારો અને અગ્રણીઓએ આ નિમણુંકને આવકારી હતી.
કચ્છ જિલ્લા પંચાયતના વિરોધ પક્ષનાનેતા પદે રાજેશ આહીરની નિયુક્તિ

