‘પાંજો સમાજ પાંજી નવરાત્રીમા બ્રહ્મબંધુઓ રાસ-ગરબે ઘૂમ્યા

ભુજ રાજગોર સમાજ પ્રેરિત ગરીબીમાં સામાજિક એકતા અને સંસ્કૃતિનાં દર્શન

ભુજ ખાતે ભુજ રાજગોર સમાજ પ્રેરિત પરશુરામ મંદિર સમિતિ દ્વારા આયોજિત તૃતીય નવરાત્રી મહોત્સવ, પાંજો સમાજ પાંજી નવરાત્રી 2026માં બીજા દિવસે મોટી સંખ્યામાં બ્રહ્મબંધુઓ રાસ-ગરબે રમીને નવરાત્રીના રંગમાં રંગાઈ ગયા હતા. .ભુજની આર.ટી.ઓ. સમાજવાડી ખાતે ત્રીજા વર્ષે યોજાઈ રહેલા આ સામાજિક અને સાંસ્કૃતિક ગરબી મહોત્સવમાં ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આ ગરબી મહોત્સવ માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક ઉજવણી પૂરતો સીમિત ન રહેતાં સમાજની એકતા, ભાઈચારો અને સામૂહિક સહભાગિતાનું પણ ઉદાહરણ બની રહ્યો છે. સમાજનાભાઈઓ-બહેનો, યુવકો-યુવતીઓ, નાના બાળકો અને વડીલો એકસાથે ગરબે ઘૂમીને પરંપરાગત સંસ્કૃતિને જીવંત રાખી રહ્યા છે. ગરબાના તાલે ઝૂમતા ખેલૈયાઓ અને ઉત્સાહભેર જોડાયેલા સમાજના સભ્યોના કારણે સમગ્ર પરિસર નવરાત્રીના રંગે રંગાઈ ગયું હતું.
ભુજ રાજગોર સમાજના પ્રમુખ વિજયભાઈ ગોર તથા સમિતિના રાજેશભાઈ ગોરના નેતૃત્વમાં યોજાઈ રહેલા આ મહોત્સવમાં નોંધપાત્ર સંખ્યામાં બ્રહ્મબંધુઓ ભાગ લઈ રહ્યા છે. ત્રીજા વર્ષે પણ આ આયોજનને મળતો પ્રતિસાદ સમાજના સભ્યોમાં પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓ પ્રત્યેની લાગણીને ઉજાગર કરે છે. તેવું જણાવાયું હતું.
આ પ્રસંગે સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર, ભુજ શહેર ભાજપ પ્રમુખ મિતભાઈ ઠક્કર સહિતના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન દ્વારા ધાર્મિક આસ્થા સાથે સામાજિક એકતા અને સાંસ્કૃતિક વારસાને આગળ વધારવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેવી લાગણી વ્યક્ત કરાઇ હતી.