ભુજમાં ત્રિદિવસીય ધર્મચક્ર તપોત્સવનું સમાપન

આરાધના ભવન જૈન સંઘએ યોજ્યો ધાર્મિક કાર્યક્રમ

ભુજમાં આરાધના ભવન જૈનસંઘ દ્વારા યોજાયેલા ત્રિદિવસીય ધર્મચક્ર તપોત્સવનું સમાપન કરાયું હતું. વિવિધ દાતાઓ ના સહયોગથી તા. ૬/૧૦ થી ૮/૧૦ સુધી ચાલેલા આ તપોત્સવનો શુભારંભ ધર્મચક્ર પૂજન સાથે કરાયો હતો. તા. ૭/૧૦ ના ધર્મચક્ર તપના તપસ્વી નું સામૂહિક પુંજનું સકળ સંઘની સામૂહિક સાંજી તેમજ આરાધના ભવન જૈન સંઘ ભુજની ચોવિહાર ભક્તિ આદિ અનુષ્ઠાનો યોજાયા હતા. તા. ૮/૧૦ ના પ્રભાતે સંભવનાથ જિનાલયેથી તપસ્વીઓની શોભાયાત્રા નીકળી હતી. જેમાં વિવિધ પ્રકારના બેન્ડ, શણગારેલી બગી, રથ, ગુરુદેવના કટ આઉટ્સ વિગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. તપસ્વીઓનો પારણા મહોત્સવ યોજાયો હતો. જેમાં સંઘે તપસ્વીઓને વધાવ્યા હતા અને પારણા કરાવ્યા હતા. આ તકે સવારની નવકારશી તથા બપોરના તપગચ્છ જૈન સંઘ ભુજનું સ્વામી વાત્સલ્ય વગેરે અનુષ્ઠાનો યોજાયા હતા. તપસ્વીઓનો અભિવાદન સમારોહ યોજાયો હતો. જેનો લાભ વિવિધ દાતાઓએ લીધો હતો. કેશર તિલક, બદલા દ્રવ્ય, શ્રીફળ-માળા, અને શાલથી અભિવાદન તેમજ ચરણ પ્રક્ષાલન અને અક્ષતથી વધામણા કરાયા હતા .
આ અવસરે તપગચ્છ જૈન સંઘમાં ચાતુર્માસ ગાળતા જૈનાચાર્ય રશ્મિરત્ન સૂરીશ્વરજી મ.સા. તેમના શિષ્યવૃંદ સાથે ઉપસ્થિત રહ્યા હતા. આ ધર્મચક્ર તપમાં ૭૭ આરાધકો જોડાયા હતા અને ૮૨ દિવસની સાધના કરી હતી. સંઘના મેનેજિંગ ટ્રસ્ટી કમલભાઈ મહેતાના નેતૃત્વમાં, માનદ્ મંત્રી ચંદુલાલ ભાઈ ગઢેચા, હોદ્દેદારો, ટ્રસ્ટ મંડળના સભ્યો, સમાજ તથા મંડળના યુવાનો, મહિલાઓ, વિગેરેએ જહેમત ઉઠાવી હતી. સંઘના વડિલ દલીચંદભાઈ મહેતા સહિત ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા તેવું માનદ્ મંત્રી શ્રી ગઢેચા તથા મીડિયા કન્વીનર વેલજીભાઈ ગણેશભાઈ મહેતાની યાદીમાં જણાવાયું હતું.