અકસ્માતો અટકાવવા જાગૃતિ આવશ્યક બનવા સાથે ઓવરલોડ પરિવહન વિશે પણ ઉઠ્યા સવાલો
કચ્છમાં લૂઝ સિમેન્ટ અને ક્લિન્કરની હેરફેર કરતા બલ્કર તરીકે ઓળખાતા ભારેખમ ભારવાહક વાહનોના અકસ્માતો હવે ઘેરી ચિંતાનો વિષય બન્યા છે. છેલ્લા ચાર મહિનામાં અનેક ગંભીર અકસ્માતો થયાની રજૂઆતો વચ્ચે બલ્કર ચાલકોની તાલીમ, અનુભવ અને ડ્રાઇવિંગ દરમિયાનની બેદરકારી અંગે ગંભીરતાથી વિચારવાની જરૂર શુક્રવારે સવારે આર.ઇ. પાર્ક વિસ્તારમાં થયેલા ગોઝારા અકસ્માત બાદ ઉભી થઇ છે. તો એકસાથે સાત વ્યક્તિને કાળનો કોળિયો બનાવી દેનારી આ ગમખ્વાર ઘટનાએ ઓવરલોડ ઉતારું પરિવહન સાથેના મુદ્દાઓને સપાટી ઉપર લાવ્યા છે. કચ્છમાં ઔધોગિક વિકાસના વર્તમાન દૌરમાં આશરે 18થી 25 વર્ષની ઉંમરના કેટલાક યુવાનો પૂરતો વ્યવહારુ અનુભવ મેળવ્યા વગર ભારે વાહનો ચલાવવા લાગી ગયેલા અત્યારના સમયમાં જોવા મળી રહ્યા છે. તો ચાલુ વાહને ઇન્સ્ટાગ્રામ-સ્નેપચેટ પર રીલ્સ બનાવવી, મોબાઇલનો ઉપયોગ કરવો અને પૂરતી ઊંઘ વગર ડ્રાઇવિંગ કરી પોતાનો તથા અન્ય લોકોનો જીવ જોખમમાં મુકવાનો ઘટનાક્રમ પણ જાણે આ સ્થિતિમાં સહજ બન્યો છે.
આર.ઇ. પાર્ક વિસ્તારના ગંભીર અકસ્માત પૂર્વે તાજેતરમાં નલિયા–માંડવી હાઇવે પર બે બલ્કર વચ્ચે થયેલી ભયાનક ટક્કર અને આગની ઘટનાએ ભારે વાહનોની સલામતી અંગે ચિંતા વધારી હતી. વાહનમાલિકો અને ટ્રાન્સપોર્ટરો માત્ર નફાને નહીં, પરંતુ માનવજીવનની સુરક્ષાને પ્રાથમિકતા આપે. અનુભવી અને કુશળ ચાલકોની પસંદગી, યોગ્ય તાલીમ, પૂરતો આરામ, વાહનોની નિયમિત તપાસ અને મોબાઇલના બિનજરૂરી ઉપયોગ સામે કડક વલણ અપનાવે તે હવે ફરજિયાત બની ચૂક્યું હોવાની લાગણી સામાન્ય લોકોએ વ્યક્ત કરી હતી.
પરિવહન વિભાગ અને પોલીસ તંત્ર પણ નિયમિત તપાસ કરી બેદરકારી સામે કાયદેસરની કાર્યવાહી કરે તે સમયની માંગ બની છે. અનુભવ, કુશળતા અને જવાબદારીને આધારે ચાલકોની પસંદગી થવી પણ એટલી જ જરૂરી બની ચુકી હોવાનું તેઓ ઉમેરી રહ્યા છે. દરમ્યાન ખાવડા આર.ઇ. પાર્ક વિસ્તારના કાળમુખા અકસ્માત બાદ ઉતારું ઓવરલોડનો જૂનો, જાણીતો અને પેચીદો મામલો પણ ફરી સ્પ્રિંગની જેમ ઉછળીને બહાર આવ્યો છે. ખુદ જિલ્લા કલેકટર દ્વારા પ્રચાર માધ્યમો માટે અપાયેલા ઇન્ટરવ્યૂમાં અકસ્માતગ્રસ્ત જીપમાં સવારી કરી રહેલા ઉતારું શ્રમિકોના બતાવાયેલા આંકડાએ જાણે સૌની પોલ ખોલી નાખી છે. મજૂરીના કામ માટે વાહનોમાં ઠાંસીને શ્રમજીવીઓને લઈ જવાની આ પહેલી ઘટના નથી. જિલ્લામાં વિવિધ સ્થળે મોટેભાગે આવો જ સિનારિયો જોવા મળી રહ્યો છે. જેને અનુભવીઓ અને તજજ્ઞો જીવતા બોંમ્બ સાથે મૂલવી રહ્યા છે.
આ સૂત્રોના કહેવા મુજબ મજૂરોની હેરફેર ઉપરાંત અંતરિયાળ વિસ્તારોમાં દોડતા ઉતારું વાહનો અને ખાનગી લકઝરી બસો , જીપડા અને અન્ય વાહનો પણ આ જ અદામાં બેરોકટોક દોડી રહ્યા છે. આવી ઘટનાઓ ખાસકરીને અકસ્માત જેવા સમયે અનેક પ્રશ્નો ઉભા કરનારી બની રહે છે.
આર. ઇ. પાર્ક વિસ્તારના મોટા જીવલેણ અકસ્માતના પગલે દરેક વખતની જેમ પોલીસ અને આર.ટી.ઓ. સહિતના તંત્રો બેશક દંડુકો પછાડતા બહાર આવેલા જોવા મળશે. પણ બાદમાં ફરી બધું ભૂલી સ્થિતિ પૂન: બેખોફ, બેલગામ અને બિન્ધાસ્ત બની જશે તેવું આવો અનેક વખત સિનારિયો જોઈ ચૂકેલા કહી રહ્યા છે.

