કાઠમંડુમાં કચ્છી પિતા-પુત્રનો ધમાકો : આંતરરાષ્ટ્રીય સ્ટેજ પર ‘The Smart Company’એ મેળવ્યા પાંચ એવોર્ડ

બોલિવૂડ સ્ટાર શિલ્પા શેટ્ટી અને શક્તિ કપૂરે પણ વખાણ કર્યા , અબડાસાના ડુમરા ગામથી નેપાળ સુધીની સક્સેસ સ્ટોરી

કહેવત છે ને કે “કચ્છી માડુ જ્યાં જાય ત્યાં પોતાની મઢી ઊભી કરે”. બસ આવું જ કંઈક કરી બતાવ્યું છે કચ્છના અબડાસાના નાના એવા ડુમરા ગામના વતની રણજિતભાઈ ઠક્કર અને તેમના દીકરા જેકી ઠક્કરે. નેપાળના કાઠમંડુમાં યોજાયેલા FMF ગ્લોબલ ACE એવોર્ડ્સ ૨૦૨૬માં આ કચ્છી પિતા-પુત્રની જોડીની કંપની ‘The Smart Company’ એ એક-બે નહીં, પણ પુરા પાંચ આંતરરાષ્ટ્રીય એવોર્ડ પોતાના નામે કરીને કચ્છ સહિત આખા ગુજરાતનું નામ વૈશ્વિક સ્તરે ઉજાગર કરી દીધું છે.
લગ્નો કે મોટી ઇવેન્ટ્સમાં જોવા મળતી શાનદાર એલ.ઇ.ડી. સ્ક્રીન, આકાશમાં તરતા હોય તેવા કાઇનેટિક બોલ, મ્યુઝિકના તાલે બદલાતી ટ્રસ્ટ લાઇટો અને અદભુત બાર સેટઅપ. આ બધી જ હાઈટેક ટેકનોલોજી કચ્છની ધરતી પર લાવવાનું શ્રેય આ રઘુવંશી સમાજના પિતા-પુત્ર રણજીતભાઈ અને જેકીની જોડીને ફાળે જાય છે. વર્ષ ૨૦૦૪માં એક નાનકડા આઈડિયાથી શરૂ થયેલી ‘The Smart Company’ આજે લક્ઝરી વેડિંગ અને કોર્પોરેટ ઇવેન્ટ્સ માટે આખા દેશમાં મોટું નામ બની ચુકી છે. દરમ્યાન આ એવોર્ડ નાઈટ કોઈ સામાન્ય ઈવેન્ટ નહોતી. ત્યાં દુનિયાના ૭ દેશમાંથી ૫૫૦થી વધુ દિગ્ગજો આવ્યા હતા. આ ગ્લેમરસ માહોલમાં જ્યારે વિજેતા તરીકે ‘The Smart Company’ નું નામ ગુંજ્યું, ત્યારે બોલિવૂડની એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી અને એક્ટર શક્તિ કપૂરના હાથે આ કચ્છી પિતાપુત્રની જોડીને સોના-ચાંદીના ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. બેસ્ટ સંગીત ફંક્શન માટે પણ તેમને ખાસ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ફિલ્મ સીતારાઓએ પણ તેમની સરાહના કરી હતી.
દેશના સીમાડા વટાવીને આંતરરાષ્ટ્રીય મંચ ઉપર આટલી નોંધપાત્ર સફળતા મળ્યા પછી પણ જેકી ઠક્કર પોતાના કૌટુંબિક વારસાના મૂલ્યો અને સંસ્કારો સાથેના મૂળિયાંને નથી ભૂલ્યા. તેમણે વાતચીતમાં ખુશી વ્યક્ત કરતા કહ્યું, “આ સફળતા પાછળ મારા દાદી સ્વ. ગોદાવરીબેનના આશીર્વાદ છે, જેમણે ડુમરા જેવા અંતરિયાળ ગામમાં સૌથી પહેલા મહિલા તરીકે સામાજિક સેવા અને ગરબી મંડળની શરૂઆત કરી હતી. અને મારા પિતા રણજિતભાઈ (ગઢશીશા હાઈસ્કૂલના નિવૃત્ત સ્ટાફ)એ અમને હંમેશા જમીન સાથે જોડાયેલા રહેવાનું શીખવ્યું છે.” જે ભાથું અમારી કારકિર્દી અને વ્યવસાયના પાયામાં છે, અને હમેંશા રહેશે.
બીજીબાજુ આંતરરાષ્ટ્રીય સ્તરે ચમકેલો આ પરિવાર આજે પણ કચ્છના નાના-મોટા ધાર્મિક પ્રસંગો, નવરાત્રિ અને સેવાકીય કાર્યોમાં ખડેપગે હાજર રહે છે અને પોતાના તરફથી શક્ય યોગદાનની આહુર્તિ સારા કામોમાં આપે છે. ડુમરાના મૂળવતની અને હાલે ભુજના ઠક્કર પરિવારના પિતાપુત્રની આ આંતરરાષ્ટ્રીય સિદ્ધિના સમાચાર મળતા સબંધીતો અને સ્નેહીજનોમાં ખુશી સાથે ગર્વની લાગણી ફેલાઇ છે. ગુજરાતના રાજ્યમંત્રી કીર્તિસિંહ રાણા, કચ્છના પ્રભારી મંત્રી કાંતિભાઈ અમૃતિયા, વિધાનસભાના માજી અધ્યક્ષા રઘુવંશી સમાજ રત્ન ડૉ. નિમાબેન આચાર્ય સહિત અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ, લોહાણા મહાપરિષદ અને વિવિધ શહેર–ગામના લોહાણા મહાજનના હોદેદારો, અગ્રણીઓએ ઠક્કર પરિવાર પરતવે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.