ઇન્સ્ટાગ્રામ પર સસ્તા સોનાની જાળ પાથરી ઠગાઈ કરનારા પાંચ ઝડપાયા

કોઈને શિકાર બનાવે તે પહેલાં જ ભુજની ટોળકી સકંજામાં

ઇન્સ્ટાગ્રામ પર ખોટી આઈડી બનાવી સસ્તું સોનું આપવાની લોભામણી જાહેરાતો અને વીડિયો પોસ્ટ કરી લોકોને છેતરવાનો પ્રયાસ કરવામાં પ્રવૃત ઠગ ટુકડીનો પશ્ચિમ કચ્છ-(ભુજ) પોલીસ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે પાંચ ઈસમને ઝડપી પાડી તેમની પાસેથી અસલી સોના સહિત 1.62 કરોડથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસને ઇન્સ્ટાગ્રામ પર ‘madhav571’ નામની આઈડી મારફતે બજાર ભાવ કરતાં ઓછા ભાવે સોનાના બિસ્કિટ આપવાની જાહેરાતો કરી લોકો સાથે સંપર્ક કેળવી છેતરપિંડી કરવામાં આવતી હોવાની માહિતી ધ્યાને આવી હતી. જેના આધારે પોલીસે ભુજના ગીતા કોટેજ નજીક આવેલા એક મકાનમાં દરોડો પાડી પાંચ આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસે આપેલી માહિતિ મુજબ પકડાયેલા આરોપીઓમાં ભુજના સુલતાન સુલેમાન કુંભાર (34), બસીર હાસમ કાતીરાર (33), સાજીદ સુલેમાન કુંભાર (31), અસગર સુલેમાન કાતીરાર (24) અને ફહીમ અલીમામદ સોઢા (21)નો સમાવેશ થાય છે. પોલીસની પૂછપરછમાં બસીર હાસમ કાતીરારે ઇન્સ્ટાગ્રામની ‘madhav571’ આઈડી પોતે બનાવ્યાનું અને તેમાં સોનાના બિસ્કિટના ફોટા તથા વીડિયો મૂક્યાનું કબૂલ્યું હોવાનું પોલીસએ જણાવાયું છે. આરોપીઓ સસ્તા ભાવે સોનું આપવાની જાહેરાતો કરી લોકોને વિશ્વાસમાં લઈ રૂપિયા પડાવતા હોવાની વિગતો પણ બહાર આવી છે. આરોપીઓ પાસેથી 10 અસલી સોનાના બિસ્કિટ (વજન 1 કિલો), 15 નકલી સોનાના બિસ્કિટ, ક્રેટા કાર, ત્રણ ટુ-વ્હીલર, નવ મોબાઈલ ફોન અને રૂ.4,300 રોકડા સહિત કુલ રૂ. 1,62,44,300નો મુદ્દામાલ કબજે કર્યો છે. તેવી વિગતો અપાઈ હતી. આ મામલે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.