માંડવીમાં નેત્રનિદાન સારવાર કેમ્પનો ૧૦ ગામના ૭૫ જણે લાભ લીધો

ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં ઓપરેશન નિઃશુલ્ક કરી અપાયા

માંડવીમાં સેવામંડળ અને ભોજાય સર્વોદય ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે, ‘મોતિયા મુક્ત કચ્છ અભિયાન’ અંતર્ગત સેવામંડળના દવાખાનામાં યોજાયેલા નિઃશુલ્ક નેત્રનિદાન અને સારવાર કેમ્પનો માંડવી સહિત કુલ ૧૦ ગામના ૭૫ લોકોએ લાભ લીધો હત ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલના ડો.સતિષભાઈ જોશીએ આંખોની તપાસણી કરીને માર્ગદર્શન પૂરું પાડયું હતું. દર્દીઓને દવા પણ નિઃશુલ્ક અપાઈ હતી. ઓપરેશન લાયક દર્દીઓના ઓપરેશન ભોજાય સર્વોદય ટ્રસ્ટની હોસ્પિટલમાં નિઃશુલ્ક કરી અપાયા હતાં. કેમ્પમાં માંડવી શહેર ઉપરાંત મસ્કા, ગુંદિયાળી, સલાયા, મેરાઉ, બાડા, કાઠડા, લાયજા, નાગલપુર અને મીઠાપુર સહિત કુલ ૧૦ ગામના ૭૫ જણે લાભ લીધો હતો. ભોજાય સર્વોદય ટ્રસ્ટના ડો.સતિષભાઈ જોશી સાથે લક્ષ્મીચંદભાઈ ગોસર અને યશદિપસિંહ જાડેજાએ સેવા આપી હતી. સેવામંડળના પ્રમુખ અશોકભાઈ શાહ ઉપરાંત ટ્રસ્ટીમંડળના ભગવતીપ્રસાદભાઈ મોથારાઈ, ચંદ્રશેનભાઈ શાહ, જયેશભાઈ જી. શાહ, ભાવિનભાઈ શાહ અને દિનેશભાઈ મણીલાલ શાહે જહેમત ઉઠાવી હતી. સેવામંડળના સ્ટાફના દીપકભાઈ સોની, રમેશભાઈ ઓધવાણી, રેખાબેન સોની અને ડોલીબેન રાઠોડ સહયોગી રહ્યા હતાં.