માંડવીના સેવાભાવી તબીબ ડો.નવીનભાઈ ગોગરીનું નિધન

માંડવીના સેવાભાવી તબીબ ડો.નવીનભાઈ લખમશીભાઈ ગોગરી (ઉં. ૮૪ )નું બુધવારના નિધન થતાં માંડવી શહેરમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. ડો.નવીનભાઈ ગોગરી મૂળ ભુજપુર (તા.મુન્દ્રા)ના વતની હતા. ઘણા વર્ષોથી માંડવીમાં રહી સેવાભાવી તબીબ તરીકે નામના મેળવી હતી. તેમણે માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટી દ્વારા દુર્ગાપુર (તા.માંડવી)માં પોલિયોના ઓપરેશન કેમ્પમાં સેવા કરી હતી. જૈન સાધુની પણ આરોગ્ય વૈયાવચ્ચ સેવા તેમણે કરી હતી. મેડિકલ ઉપરાંત ટેનિસની રમતમાં તેમણે યોગદાન આપેલું હતું. તેમના નિધનથી માંડવી તેમજ માંડવીની આજુ-બાજુના ગામના લોકોએ એક સેવાભાવી તબીબ ગુમાવ્યો હોવાની લાગણી વ્યક્ત કરાઈ હતી. બુધવારે તેમના નિવાસસ્થાનથી નીકળલી તેમની સ્મશાન યાત્રામાં જ્ઞાતિજનો, ડોક્ટરો તેમજ વિવિધ સંસ્થાના આગેવાનો જોડાયા હ સદગત ડૉ. ગોગરીને માંડવીની અંધ અપંગ માનવ કલ્યાણ સોસાયટીના પ્રમુખ દિનેશભાઈ શાહ, સ્થાપક પ્રમુખ ડો.મધુકરભાઈ રાણા, પૂર્વ પ્રમુખ ડો.કૌશિકભાઈ શાહ, ઉપપ્રમુખ અરવિંદભાઈ શાહ, મંત્રી શાંતિલાલભાઈ ગણાત્રા, મસ્કત ગુજરાતી સમાજના સ્થાપક ડો.ચંદ્રકાંતભાઈ ચોથાણી, ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વાડીલાલભાઈ દોશી, વ્યસનમુક્તિ અભિયાનના ઉપપ્રમુખ જયેશભાઈ શાહ, જનકલ્યાણ મેડિકલ સોસાયટીના પ્રમુખ કિરણભાઈ સંઘવી, માંડવી બે-નાતના પ્રમુખ ચંદ્રેશભાઈ શાહ, સારસ્વતમ સંસ્થાના મૂલેશભાઈ દોશી, માંડવી જાયન્ટ્સ ગ્રુપના પ્રમુખ રાજેશભાઈ સોની વગેરેએ શ્રદ્ધાંજલિ અર્પી હતી.