નારણસરી સીમમાં ગેરકાયદે રેતી વોશિંગ પ્લાન્ટ પર દરોડો

હિટાચી, ડમ્પર, ટ્રક અને કોંક્રિટ મિક્સર સહિત ૩ કરોડનો મુદ્દામા જપ્ત

જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર કચ્છની સૂચનાના આધારે મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, ભચાઉ તેમજ ખાણ-ખનીજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ભચાઉ તાલુકાના નારણસરી ગામની સીમમાં ગેરકાયદેસર વોશિંગ પ્લાન્ટ પ્રવૃત્તિઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ખેતીની જમીનનો બિનખેતી  પરવાનગી મેળવ્યા વિના, ઔદ્યોગિક હેતુ માટે ગેરકાયદેસર ઉપયોગ કરીને ચલાવવામાં આવી રહેલા રેતીના વોશિંગ પ્લાન્ટ પર  સંયુક્ત ટીમ દ્વારા બુધવારે  આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ અને કાર્યવાહી દરમિયાન ગેરકાયદેસર વોશિંગ પ્લાન્ટ સ્થળ પરથી ૧ હિટાચી મશીન, ૪ ડમ્પર, ૧ બાવીસ વ્હીલ ટ્રક તેમજ ૧ કોંક્રિટ મિક્સર મશીન મળી કુલ ૭ વાહનો-મશીનરી સીઝ કરવામાં આવી હતી. આ સીઝ કરવામાં આવેલા વાહનો સામે નિયમાનુસાર દંડની આગળની કાર્યવાહી કરવા અંગે ખાણ-ખનીજ વિભાગને સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત, સ્થળ પરથી મળી આવેલી નંબર પ્લેટ વિનાની અને બ્લેક ફિલ્મ ધરાવતી ૧ કાર સામે મોટર વ્હિકલ એક્ટ હેઠળ કાર્યવાહી કરવા માટે આર.ટી.ઓ. તથા પોલીસ તંત્રને સૂચના અપાઈ છે. ખેતીની જમીનનો કાયદેસર બિનખેતી પરવાનગી મેળવ્યા વગર ઔદ્યોગિક ઉપયોગ કરવા બદલ જમીન મહેસૂલ કાયદાની સંબંધિત જોગવાઈઓ હેઠળ પણ આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.  આ સમગ્ર કાર્યવાહી દરમિયાન આશરે રૂપિયા ૩ કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.  તેમ મદદનીશ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભચાઉ દ્વારા જણાવાયું છે.