ફતેહગઢમાં માલધારી યુવાન પર ફાયરિંગ

ચોરીના ઈરાદે આવેલા બે શખ્સએ ગોળીબાર કરતા યુવાન ઘવાયો

રાપર તાલુકાના નાની રવ ગામના માલધારી પરિવાર પર ફતેહગઢ નજીક ભોજનારી ડેમ વિસ્તારમાં મંગળવારે મોડી રાત્રે બે અજાણ્યા શખ્સએ ગોળીબાર સહિતનો હુમલો કરતા ભારે ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં ઘેટાં-બકરાંની ચોકી કરી રહેલા ૩૦ વર્ષિય માલધારી જોગા મમુ રબારી નામના યુવક પર બે અજાણ્યા શખ્સએ બંદૂકમાંથી ગોળીબાર કરી તેની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવના પગલે વાગડ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે તે બાબતે સવાલો ઊભા થયા છે.
પોલીસ સાધનો પાસેથી મળેલી વિગતો મુજબ નાની રવ ગામના વતની ખોડા કાના રબારી તથા તેના મોટા બાપુ મમુભાઈ સહિતનો પરિવાર અંદાજે ૬૦૦થી વધુ ઘેટાં-બકરાં સાથે રાપરના અલગ-અલગ સીમાડે કામચલાઉ પડાવ નાખીને પશુપાલનનો વ્યવસાય કરે છે. હાલમાં આ પરિવારે ફતેહગઢ પાસે આવેલા ભોજનારી ડેમ વિસ્તારમાં પડાવ નાખ્યો છે. દરમ્યાન ૧૬/૦૯/ બુધવારે મોડી રાત્રે ૨થી ૨:૩૦ વાગ્યાના અરસામાં ખોડાભાઈના પિતરાઈ ભાઈ જોગા મમુ રબારી પડાવ પાસે માલની ચોકી કરી રહ્યા હતા ત્યારે બાઇક પર બે અજાણ્યા તસ્કરો ઘેટાબકરા ચોરવાના ઈરાદે આવ્યા હતા. જોગાભાઈ જાગી જતા તેમને મારી નાખવાના ઈરાદે બંદૂકમાંથી ભડાકો કરાયો હતો.ગોળી જોગાની છાતીના નીચેના ભાગે જમણી બાજુ વાગતાં તેઓ રક્તરંજીત થઈ ઢળી પડ્યા હતા. ગોળીબારના અવાજ અને રાડારાડી સાંભળીને પરિવારજનો જાગી જતાં બંને હુમલાખોરો બાઇક પર નાસી છૂટ્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા જોગાને ૧૦૮ મારફતે રાપર સરકારી હોસ્પિટલ અને બાદમાં વધુ સારવાર માટે ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. .ઘટનાની જાણ થતાં ભચાઉ નાયબ પોલીસ અધિક્ષક તથા રાપર પોલીસ ઇન્સપેક્ટર આર.એલ.ખટાણા સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ખોડા રબારીની ફરિયાદના આધારે બે અજાણ્યા ઇસમ સામે ગુનો નોંધીને તેમને ઝડપી પાડવા જુદી-જુદી ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી.