26.65 કરોડના એવોર્ડ, 11 દંપતીનું સમાધાન; અકસ્માત વળતરમાં .1.88 કરોડ ચૂકવાયા
હાઇકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના મુખ્ય સંરક્ષકના માર્ગદર્શન હેઠળ શનિવારે કચ્છ જિલ્લાની તમામ અદાલતોમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાઇ હતી. મુખ્ય જિલ્લા ન્યાયાધીશ દિલીપ મહિડાની રાહબરી હેઠળ યોજાયેલી લોક અદાલતમાં 10,491 કેસોનો નિકાલ કરવામાં આવ્યો હતો કુલ રૂ.26.65 કરોડના એવોર્ડ કરવામાં આવ્યા હતા. આ પૈકી 5,751 પ્રી-લિટીગેશન કેસો, સમાધાન લાયક 1,170 કેસો તથા સ્પેશિયલ મેજિસ્ટ્રીયલ સિટિંગમાં 3,570 કેસોનો નિકાલ થયો હતો. કચ્છની તમામ ફેમીલી કોર્ટમાં મુકાયેલા 219 કેસોમાંથી 148 કેસોનું સમાધાનથી નિરાકરણ આવ્યું હતું. અકસ્મિક વળતરના એક કેસમાં અરજદાર તરફે વકીલ જી.એન. ઝવેરી, ઇન્સ્યોરન્સ કંપની તરફે વકીલ અજય સાહેદાણી તથા અધિકારી દીપભાઇ દવેના પ્રયાસોથી ગો ડિજિટ ઇન્સ્યોરન્સ કંપની સાથે સમાધાન થયું હતું અને અરજદારને .1.30 કરોડનું વળતર ચૂકવાયું હતું. અન્ય અકસ્માત વળતર કેસમાં વકીલ એમ.બી. ખટાણા, અજય સાહેદાણી તથા અધિકારી જિગ્નેશભાઇ રાવલના પ્રયાસોથી TATA AIG General Insurance Company સાથે સમાધાન થતાં અરજદારને 58 લાખનું વળતર મળ્યું હતું. ફેમીલી કોર્ટમાં પણ લોક અદાલતના દિવસે 11 દંપતીઓ વચ્ચે સમાધાન થતાં તેમના લગ્નજીવન તૂટતા બચ્યા હતા. એક કેસમાં બાળકની કસ્ટડી અંગે પિતા સાથે મુલાકાત બાબતે પણ સમાધાન થયું હતું.

