ઘોરાડ સંરક્ષણ, ચિત્તા પ્રોજેક્ટ, ઘાસ સુધારણા સહિતની કામગીરીનો લેવાશે તાગ
ભારત સરકારના કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવ તા. 13 અને 14 સપ્ટેમ્બર, 2026ના કચ્છ જિલ્લાની મુલાકાતે આવી રહ્યા છે. તેઓ કચ્છ વન વર્તુળ હેઠળ હાથ ધરાતી મહત્વપૂર્ણ વન્યજીવ તથા દરિયાઈ પર્યાવરણ સંરક્ષણની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરશે. તા. 13 સપ્ટેમ્બર, 2026ના કચ્છની મુલાકાત દરમિયાન મંત્રી વન્યજીવ સંરક્ષણ સંબંધિત વિવિધ કામગીરીની સમીક્ષા કરશે. આ ઉપરાંત મૅવ કઝર્વેશન વિષયક વર્કશોપમાં હાજરી આપશે. ફ્લેગશીપ પ્રોજેક્ટ ઘોરાડ સંરક્ષણ, ચિત્તા પ્રોજેક્ટ તથા ઘાસ સુધારણા સહિતની કામગીરી અંગે રિવ્યુ પણ મેળવશે. તા. 14 સપ્ટેમ્બર, 2026ના કેબિનેટ મંત્રી શ્રી યાદવ GIB Soft Release Centreની મુલાકાત લેશે. અહીં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ (ઘોરાડ)ના સંરક્ષણ, પુનઃસ્થાપન અને રહેઠાણ સંવર્ધન માટે ચાલી રહેલી કામગીરી અંગે માહિતી મેળવશે તથા સ્થળ પર કામગીરીનું નિરીક્ષણ કરશે.
તેઓ સાંયરા વન કવચની મુલાકાત લેશે. આ સાથે જખૌ મેન્ગ્રવ નર્સરી અને સીવીડ સીડ બેંક/સીવીડ પ્લોટની મુલાકાત લઇ દરિયાકાંઠાના પર્યાવરણ સંરક્ષણ માટે હાથ ધરાતી કામગીરીની સમીક્ષા કરશે. મેન્ગ્રવ રોપાઓના ઉછેર, વાવેતર તથા દરિયાઈ પર્યાવરણના સંવર્ધન અંગેની કામગીરીનો પણ તેઓ તાગ મેળવશે. કચ્છમાં વન્યજીવ સંરક્ષણ સાથે દરિયાઈ પર્યાવરણના જતન માટે ચાલી રહેલી વિવિધ યોજનાઓ અને પ્રોજેક્ટની પ્રગતિને લઈને આ મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

