ભુજમાં પાર્સલમાં મળ્યા દારૂના 420 ક્વાર્ટર

હરિયાણાથી ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવાયેલો જથ્થો પકડાયો

ભુજ શહેરમાં ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવવામાં આવેલા ભારતીય બનાવટના અંગ્રેજી દારૂના જથ્થા સાથે રિયાઝ મહમદિશાક સુમરાને ઝડપાયો હતો. ક્રાઈમ-ર બોર્ડર રેન્જ ભુજની ટીમે બાતમીના આધારે ભાનુશાલીનગર નિલકંઠ એપાર્ટમેન્ટ ખાતે આ રેડ કરી 52,500ની કિંમતના દારૂના 420 ક્વાર્ટર તથા મોબાઇલ ફોન સહિતનો મુદામાલ કબજે લીધો હતો.
આ અંગે એ.એસ.આઈ. કનકસિંહ નવલસિંહ જાડેજા, ક્રાઈમ-ર બોર્ડર રેન્જ ભુજએ આ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં જણાવાયા મુજબ પોલીસને બાતમી મળી હતી કે ભાનુશાલીનગર નિલકંઠ એપાર્ટમેન્ટમાં રહેતો રીયાઝ મહમદઈશાક સુમરા બહારથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પાર્સલમાં મંગાવી રહ્યો છે. જેના આધારે આ દરોડો પડાયો હતો.
પૂછપરછમાં રીયાઝે દારૂનો જથ્થો દિનેશ ગજર, હરિયાણા-ચંદીગઢ, પાસેથી ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવ્યો હોવાનું જણાવ્યું હતું. દિનેશ હાજર મળી આવ્યો ન હતો. તેમ પોલીસે જણાવ્યું હતું.