મુરચબાણ સીમમાં પ્રાંત અધિકારીની ટીમની ફરજમાં રૂકાવટનો ગુનો
લખપત તાલુકામાં મુરચબાણ ગામના સીમ વિસ્તારમાં ખનીજ ચોરીની બાતમીના આધારે કાર્યવાહી કરવા ગયેલી પ્રાંત અધિકારી સહિતની ટીમ પર ત્રણ ઇસમએ છૂટા પથ્થરો વડે હુમલો કર્યાની ફરિયાદ દયાપર પોલીસ મથકે નોંધાઇ છે. મામલતદાર તરીકે ફરજ બજાવતા નવીનચંદ્ર મુલજી મારૂએ આ ફરિયાદ દાખલ કરાવી હતી. જેમાં જણાવાયું છે કે તા. ૪/૯/૨૦૨૬ના રાત્રિના આશરે બે વાગ્યે મદદનીશ કલેક્ટર અને પ્રાંત અધિકારી નખત્રાણા ઉત્કર્ષ ઉજ્જવલનો ફોન આવ્યો હતો કે મુરચબાણ ગામની સીમમા ખનીજ ચોરી કરતા બે હિટાચી મશીન પકડાયાં હોવાથી તાત્કાલિક ટીમ સાથે સ્થળ પર પહોંચો. પ્રાંત અધિકારીએ સ્થળ ઉપરથી ટ્રકો તથા હિટાચી મશીન મળી આવ્યા હોવાનું જણાવ્યું હતું. હાજર રાજુ રબારી, લાખુભા જાડેજા તથા એક અજાણ્યા ઇસમને બેન્ટોનાઇટ ખનન તથા ટ્રાન્સપોર્ટ અંગેના આધાર પુરાવા રજૂ કરવા જણાવતાં તેઓ અપશબ્દો બોલવા લાગ્યા હતા. ત્યારબાદ ત્રણેયે ટીમ ઉપર છૂટા પથ્થરો ફેંકી હુમલો કર્યો હતો. સદનસીબે કોઇને ઇજા કે સરકારી વાહનને નુકસાન થયું ન હતું. તેવું ફરિયાદમાં લખાવાયું છે.

