કલેક્ટર કચેરીએ ધામા નાખી ઘર કે પ્લોટ ન મળે ત્યાં સુધી નહીં હટવા નિર્ણય
સરકારી રહે દબાણ હટાવવાની કાર્યવાહીમાં બેઘર બનેલા ગાંધીધામના પરિવારોનો આક્રોશ લેડી સાથે હવે ગાંધીધામથી જિલ્લા મથક ભુજ સુધી પહોંચ્યો છે. બે મહિનાથી પાલિકા સામે આંદોલન કરવા છતાં ઉકેલ નહીં આવતાં અસરગ્રસ્ત પરિવારો હિજરત કરીને પગપાળા સોમવારે કલેક્ટર કચેરી ભુજ પહોંચ્યા હતા.
લાંબા સમયથી ગાંધીધામમાં રહેતા અસરગ્રસ્ત પરિવારો ન્યાયની માંગ સાથે ગાંધીધામથી પગપાળા ચાલીને ભુજ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. અહીં પરિવારોએ કચેરી પર જ બેસીને વિરોધ નોંધાવી તંત્ર સમક્ષ મકાન અથવા પ્લોટ ફાળવવાની બુલંદ માંગ મૂકી હતી.
ગાંધીધામ મહા નગરપાલિકા દ્વારા કરવામાં આવેલી દબાણ હટાવવાની કાર્યવાહીમાં અનેક પરિવારોના રહેઠાણ છીનવાઈ ગયા છે. આ પરિવારો છેલ્લા 54 દિવસથી પાલિકા સામે આંદોલન કરી રહ્યા છે. તેમ છતાં તેમની સમસ્યાનું નિરાકરણ ન આવતાં આખરે ગાંધીધામ છોડીને લડતનો તખ્તો ભુજ પહોંચ્યો છે. ભુજમાં કલેક્ટર કચેરી ખાતે પહોંચેલા આ પરિવારોએ કહ્યું હતું કે તેઓ વર્ષોથી ગાંધીધામમાં રહે છે. હવે રહેઠાણ ગુમાવ્યા બાદ તેમના માટે છતનો વિકટ પ્રશ્ન ઉભો થયો છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા વૈકલ્પિક રહેઠાણની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી તેમની મુખ્ય માગણી છે. જ્યારે સામાજિક આગેવાન બહુજન આર્મીના લખન ધુવાએ એવું જણાવ્યું હતું કે, વર્ષોથી રહેતા પરિવારો દબાણ હટાવવાની કાર્યવાહી બાદ ઘરવિહોણા બન્યા છે. તેમના માટે અધિક કલેક્ટરને રજૂઆત સાથે ન્યાયની માંગ કરાઈ છે. કલેક્ટર રજા પર હોવાથી અધિક કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. આ તબક્કે અસરગ્રસ્તોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી મકાન કે પ્લોટ ફાળવવા અંગે તંત્ર તરફથી નક્કર આશ્વાસન નહીં મળે ત્યાં સુધી તેઓ અહીંથી હટશે નહી અને કલેક્ટર કચેરીમાં જ રહીને વિરોધ ચાલુ રાખશે.

