લખપત તાલુકામાં ઘાસ, પાણી અને રોજગારની ગંભીર સમસ્યા

જી.એમ.ડી.સી. પાસે તાત્કાલિક સહાયની માંગ

લખપત તાલુકામાં ઓછા વરસાદના કારણે ખેતી અને પશુપાલન વ્યવસાય પર ગંભીર અસર પડી છે. તાલુકામાં માનવ વસ્તી કરતા પશુઓની સંખ્યા વધુ છે. હાલે વરસાદના અભાવે ઘાસચારાની અછત સર્જાઈ રહી છે અને પશુધન સામે પણ સંકટ ઊભું થયું છે. બીજી તરફ ખેતી નિષ્ફળ જતા સ્થાનિક લોકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.
લખપત તાલુકામાં જી.એમ.ડી.સી. હસ્તકના વિવિધ ગામોમાં પાંચ જેટલા પ્રોજેક્ટ આવેલા છે અને અહીંથી લીગ્નાઈટ, વીજ ઉત્પાદન સહિત ખનિજ ક્ષેત્રે મોટા પાયે આવક થાય છે. તેમ છતાં આ વિસ્તારને CSR યોજના હેઠળ પૂરતો લાભ મળતો ન હોવાની રજૂઆત કરવામાં આવી છે. કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હુસેન રાયમા દ્વારા જી.એમ.ડી.સી.ના મેનેજિંગ ડાયરેક્ટરને લેખિત રજૂઆત કરી માંગ કરવામાં આવી છે કે લખપત તાલુકાને CSR યોજના હેઠળ વધુ ફાળો ફાળવવામાં આવે. ખાસ કરીને ઘાસચારો, પીવાનું પાણી અને રોજગારની તાત્કાલિક વ્યવસ્થા કરવા તેમના દ્વારા માંગ કરવામાં આવી છે. રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે ઓછા વરસાદ અને ખેતી નિષ્ફળ જવાથી સરહદી ગામોમાં હિજરતની સ્થિતિ ઊભી થઈ રહી છે, જે રાષ્ટ્રીય હિતની દૃષ્ટિએ પણ ચિંતાજનક બાબત છે.