માંડવી કોલેજમાં દાતાની જયંતીએ કાર્યક્રમો યોજાયા

માંડવીની શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનું જેમના નામથી નામકરણ થયેલું છે એવા દાતા અને સ્વાતંત્ર્ય સેનાની શેઠ સુરજી વલ્લભદાસની જન્મજયંતી નિમિત્તે કોલેજ ખાતે રક્તદાન કેમ્પ, થેલેસેમિયા ટેસ્ટ તથા ગાયત્રી યજ્ઞ યોજાયા હતા. પ્રારંભ કોલેજની સ્થાપનાના વર્ષ 1966ના પ્રથમ વર્ષના વિદ્યાર્થી મોહનભાઈ જોબનપુત્રાના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો હતો. થેલેસેમિયા ટેસ્ટ તથા બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ પણ કોલેજના પૂર્વ વિદ્યાર્થી જુગલભાઈ સંઘવીના હસ્તે થયો હતો. ગાયત્રી યજ્ઞમાં શ્રી જોબનપુત્રાએ યજમાન તરીકે ઉપસ્થિત રહી ધાર્મિક વિધિમાં ભાગ લીધો હતો.
આ સેવાકીય કાર્યક્રમમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીનો સહયોગ પ્રાપ્ત થયો હતો. સોસાયટીના સેક્રેટરી મીરાબેન સાવલિયા ઉપરાંત નવીનભાઈ, મહેશભાઈ, રાહુલભાઈ, મયંકભાઈ અને વિવેકભાઈ સહિતની ટીમે સેવા આપી હતી. આ પ્રસંગે મોહનભાઈએ પોતાના કોલેજકાળની વિદ્યાર્થીઓને જીવનમાં ખૂબ આગળ વધવા તથા સમાજ અને દેશની સેવા કરવા માટે આશીર્વાદ પાઠવ્યા હતા. પૂર્વ વિદ્યાર્થી શ્રી સંઘવીએ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
કોલેજના આચાર્ય ડો. મહેશકુમાર બારડે જણાવ્યું હતું કે શેઠ સુરજી વલ્લભદાસે સમાજ અને દેશ માટે આપેલા યોગદાનને સ્મરણમાં રાખીને આ વર્ષે તેમની જન્મજયંતીની ઉજવણીને માત્ર ઉજવણી પૂરતી ન રાખી, સમાજસેવા અને માનવસેવાના ભાવ સાથે જોડવામાં આવી છે. કોલેજના એન.સી.સી. કેડેટ્સ, ગાયત્રી પરિવાર તરફથી ઉપસ્થિત પ્રતાપભાઈ તથા તેમની ટીમ તેમજ સંસ્થાના સ્ટાફ અને સહયોગીઓએ જહેમત ઉઠાવી હતી. સંસ્થાના ટ્રસ્ટી આદિત્યભાઈએઆ સેવાકીય અને સમાજોપયોગી કાર્ય બદલ કોલેજ પરિવારની સરાહના કરી હતી 162 વિદ્ધ્યાર્થીએ થેલેસેમિયા ટેસ્ટ કરાવ્યો હતો, જ્યારે 5,100 સીસી રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું.