ગાંધીધામની ઘટના ધારણા મુજબ હત્યા હોવાનું ખુલ્યું
ગાંધીધામ ના ભારતનગર વિસ્તારમાં સોનલનગરમાં ભાડાના મકાનમા રહેતી મિનાક્ષી લાલસિંઘ પરીહાર(ઉ.વ.૨૪)નો ઘરમાંથી મૃત મળી આવવાનો મામલો ધારણા મુજબ હત્યા હોવાનું સ્પષ્ટ થયું છે. મરનાર યુવતીને ગળેટૂંપો આપી હત્યા. કરવામાં આવી હોવાની વિગતો પોસ્ટમોર્ટમ અહેવાલમાં સપાટી ઉપર આવી હતી. આ મામલે પોલીસે વિધીવત રીતે મરનારના બોયફ્રેન્ડ મૂળ મધ્યપ્રદેશના ગૌરવ સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બહાર આવેલી વિગતો મુજબ એકાદ વર્ષથી ગાંધીધામમાં રહી જવેલર્સની દુકાનમાં નોકરી કરતી મીનાક્ષીનો ગુરુવારે કોહવાયેલી હાલતમાં મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યો હતો. પોલીસે ગુન્હાનું પગેરૂ મેળવવા ભારે વ્યાયામ કર્યા બાદ ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે.
આ યુવતીના મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે જામનગર લઈ જવાયો હતો. તેના ગળામાં કપડુ વીટાયેલું જોવા મળ્યુ હતું. પી.એમ રીપોર્ટમાં પણ ગળેટૂંપો આપવાથી શ્વાસ રૂંધાઈ જવાથી મૃત્યુ થયું હોવાનું તારણ પરીક્ષણમાં બહાર આવ્યુ હતુ. પોલીસ સાધનોએ ફરીયાદને કેન્દ્રમાં રાખીને જણાવ્યુ હતુ કે મૃતકની તેના પરીવારજનો સાથે છેલ્લે તા. ૧૫/૮ ના રાત્રિના વીડિયો કોલ ઉપર વાત થઈ હતી. બાદ સતત ત્રણ દિવસ સુધી યુવતીનો સંપર્ક કરવાનો પ્રયાસ નિષ્ફળ રહ્યો હતો. પરીવારજનોએ તપાસ કરતા અને સ્થાનિકોના જણાવ્યા મુજબ મિનાક્ષી ગત તા. ૧૭/૮ના ઘરે આવ્યા પછી જોવા મળી ન હતી. મિનાક્ષીના કુંટુંબી ભાઈ તરીકેની ઓળખ આપી સાથે રહેતો ગોરવ નામનો છોકરો મંગળવાર સુધી ઘરમાં હતો.ત્યારબાદ તે પણ ગાયબ થઈ ગયો હતો. પોલીસે ગૌરવ સામે ગુન્હો નોંધીને તપાસ હાથ ધરી છે. આ યુવતીની હત્યા ક્યાં કારણોસર કરવામાં આવી તેના સહિતની કડીઓ મેળવવા પોલીસે છાનબીન આદરી છે. મૃતકના પિતા લાલસિંહ ધનસિંહ પરીહારે આરોપી ગૌરવ નામના (મગરકઠા, બરઘાટ,શિવની,મધ્યપ્રદેશ) વિરુધ્ધ ગુન્હો દાખલ કરાવ્યો હતો.

