કેફી દ્રવ્યોના કેસો અન્વયે મિલકત જપ્તી

NDPS કેસમાં પૂર્વ કચ્છ પોલીસ દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં આ પ્રકારની ગુનાખોરીમાં સંડોવાયેલા મૂળ બિહારના વતની પિન્ટુ યાદવની 22.31 લાખની મિલકત જપ્ત કરવામાં આવી છે. માદક પદાર્થોની હેરાફેરી સહિતનીની પ્રવૃત્તિની આવકમાંથી મિલકત વસાવાઈ હોવાનું તપાસમાં સપાટી ઉપર આવ્યું છે. SAFEMA/NDPSA ધારા હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી હોવાનું જાહેર કરાયું છે. મુંબઈની કોમ્પિટન્ટ ઓથોરિટીએ મિલકત જપ્ત કરવાનો હુકમ કર્યા બાદ અંજાર તાલુકાના વરસામેડીમાં આરોપીનું રહેણાક મકાન જપ્ત કરાયું છે. તો એક કાર, બે દ્વિચક્રી વાહનો પણ જપ્તીની કાર્યવાહીમાં ઝપટમાં લેવાયા છે. આરોપી પિન્ટુ યાદવ સામે અગાઉ પણ આ ધારા હેઠળ વિવિધ ગુનાઓ નોંધાયેલા હોવાનું સત્તાવાર સાધનોએ કહ્યું છે.આ માટે પૂર્વ કચ્છ (ગાંધીધામ) પોલીસે પુરાવા સાથે દરખાસ્ત કરી હતી. કોમ્પિટન્ટ ઓથોરિટીએ આ દરખાસ્તને માન્ય રાકહ્યા બાદ કામગીરી કરાઈ છે.ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં કોઈ પોલીસ યુનિટ દ્વારા થયેલી આ પ્રકારની પ્રથમ કાર્યવાહી હોવાનું પોલીસ જણાવી રહી છે