નગરપાલિકા સામાન્ય સભામાં મહત્વના નિર્ણયો લેવાયા
અંજાર નગરપાલિકાની ત્રિમાસિક સામાન્ય સભાની બેઠક નગરપાલિકાના પ્રમુખ ધર્મિષ્ઠાબેન શામજીભાઈ ખાંડેકાના અધ્યક્ષ સ્થાને શુક્રવારે નગરપાલિકાના મુખ્ય સભાખંડમાં મળી હતી. જેમાં શહેરના વિકાસને લગતા અનેક નિર્ણયો લેવામાં આવ્યા હતા. એક કરોડના ખર્ચે બનનારા ચિલ્ડ્રન ટ્રાફિક પાર્કના કામને બહાલ રખાયો હતો. તો શહેરમાં મોડેલ ફાયર સ્ટેશનના નિર્માણ માટે દરખાસ્ત કરવાનું પણ નક્કી કરાયું હતું.
બેઠકમાં શાસક પક્ષના નેતા આશિષભાઈ ઉદવાણીએ ઠરાવોનું વાંચન કરી રજૂઆત કરી હતી. જેમાં અંજાર શહેરના મારુતિ ગ્રાઉન્ડ ખાતે અંજાર નગરપાલિકાના બગીચા માટે અનામત રાખવામાં આવેલા પ્લોટમાં રૂપિયા એક કરોડના ખર્ચે ચિલ્ડ્રન ટ્રાફિક પાર્ક બનાવવાના કામને બહાલ રાખવામાં આવ્યો હતો
તો સ્વચ્છ ભારત મિશન અર્બન – ગાંધીનગરના હુકમને આધીન અંજાર નગરપાલિકાના સફાઈ મિત્રોની સુરક્ષા માટે રૂપિયા ત્રણ લાખના ખર્ચે પી. પી. ઈ. કીટ ખરીદ કરવાની મંજૂરી પણ સભામાં આપવામાં આવી હતી.ઉપરાંત સરકારની વિવિધ યોજનાઓ હેઠળ મંજૂર થયેલી ગ્રાન્ટની રકમ માંથી શહેરના વિવિધ વિકાસના કાર્યો હાથ ધરવાનો નિર્ણય કરાયો હતો.અંજાર શહેરમાંથી પસાર થતા ત્રણ રાજમાર્ગો માર્ગ કે જે મકાન પેટા વિભાગ હસ્તકના હતા તે નગરપાલિકા હસ્તક લેવા માટે સર્વાનુંમતે નક્કી કરવામાં આવ્યું હતું. જ્યારે અંજાર ખાતે નવું મોડેલ ફાયર સ્ટેશન બનાવવા માટે નગરપાલિકા વિસ્તારમાં ૫૫૦૦ ચો.મી. જમીન ફાળવવા દરખાસ્ત તૈયાર કરવાનું સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. સાથેસાથે પોલીસ ચોકી માટે જમીન ફાળવવા બાબતને ગ્રાહ્ય રાખવા સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતુંઅમુક વિકાસ ના મુદ્દાને ધ્યાને લઈ વિપક્ષ કોંગ્રેસના રાજેન્દ્રસિંહ જાડેજા અને દીપકભાઈ આહીર તથા અન્ય કાઉન્સિલરો દ્વારા આ નિર્ણય લેવા બદલ પ્રમુખ તથા શાસક પક્ષની સરાહના કરાઈ હતી.શામજીભાઈ ખાંડેકા, ઉપપ્રમુખ પરેશભાઈ માલસતર, કારોબારી સમિતિ ચેરમેન પ્રકાશભાઈ લોદરીયા, શાસક પક્ષના નેતા આશિષભાઈ ઉદવાણી, દંડક ગીરીશભાઈ પરમાર, અમિતભાઈ વ્યાસ કિરણભાઈ મહાદેવભાઇ આહીર, અલ્પેશભાઈ રમેશભાઈ દરજી, જયેશભાઈ કે. બલદાણીયા, પાર્થભાઈ કે. સોરઠીયા, નિલેશગીરી ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરીયા, કચેરી અધિક્ષક રશ્મિનભાઈ ભીંડે ના માર્ગદર્શન હેઠળ કમિટી ક્લાર્ક ગુંજનભાઈ પંડ્યા એ કામગીરી કરી હતી. બેઠકમાં નગરપાલિકાના વિવિધ ખાતાના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.

