પત્ની અને સાસરિયા પક્ષના સંબંધીઓ આરોપીના રોલમાં
ભચાઉ તાલુકાના મનફરા ગામની માધ્યમિક શાળાના આચાર્ય દિવ્યેશ દિનકરરાય જોશી ( ખાખરેચી, માળિયા, મોરબી,)ની આત્મહત્યાના કિસ્સામાં મૃતકની પત્ની અને સાસરિયા પક્ષના સભ્યો સામે દુષપ્રેરણનો ગુનો દાખલ કરાવાયો છે. મરનાર આચાર્યે ગળેફાંસો ખાઈ મરવા પૂર્વે લખેલી સ્યુસાઈડ નોટના આધારે મૃતકના પત્ની નેહા, સાસુ મધુબેન, સસરા લલિત ઈચ્છાશંકર જોશી ( ધોરાજી), માસીજી સાસુ પલ્લવી પંડ્યા અને માસાજી સસરા સંજય પંડ્યા (ગાંધીનગર) સામે આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધાયો છે. મરનારના નાના ભાઈ દેવેન્દ્રએ ભચાઉ પોલીસ મથકે આ ફરિયાદ દાખલ કરાવી હતી. સાત માસ અગાઉ નેહા પતિ દિવ્યેશ જોડે ઝઘડો કરીને પાંચ વર્ષના પુત્ર અને દોઢ વર્ષની દીકરીને લઈ સાસરે જતી રહી હતી. પત્ની નેહા અને સહ આરોપીઓ દિવ્યેશને અવારનવાર ધાક ધમકીઓ આપી ગાળો ભાંડી ત્રાસ આપતાં હતા. તેવું ફરિયાદમાં લખાવાયું હોવાનું પોલીસ સાધનોએ જણાવ્યું હતું. આ પ્રકરણમાં પત્નીએ પતિ સામે ધોરાજી કૉર્ટમાં ભરણપોષણનો દાવો પણ કર્યો હતો. પત્ની અને સાસરિયાના ત્રાસ અંગે દિવ્યેશે ગત જાન્યુઆરીમાં પૂર્વ કચ્છ પોલીસને અરજી પણ કરી હતી. આ દરમ્યાન છેલ્લે આઠમી ઑગસ્ટે કૉર્ટની મુદ્દત ભરીને મનફરા પરત આવીને ૧૦-૧૧ ઑગસ્ટની રાતે ઘરમાં ફાંસો ખાઈ તેને આપઘાત કરી લીધો હતો. તેવું ફરિયાદમાં લખાવાયું છે.

