ભુજમાં બિન્ધાસ્ત તસ્કર તત્વોએ ૨.૫૩ લાખનો હાથ તાળા તોડીને માર્યો

ટંકારાના મામલતદારના ઘરની ઘટના : તપાસ શરુ

વ્યવસાયે વહીવટી તંત્રમાં મામલતદાર જેવું મહત્વનું અને મેજિસ્ટ્રીયલ પદ ધરાવતા મૂળ ભુજના પ્રફુલ નરભેરમ ગોરના બંધ મકાનમાંથી ૨.૫૩ લાખની માલમાતાનો હાથ મારીને તસ્કર તત્વોએ પોતાની બિન્દાસ્તાનો પરચો આપ્યો હતો.
હાલે સૌરાષ્ટ્ર વિસ્તારમાં મોરબીના ટંકારા ખાતે મામલતદાર તરીકે ફરજ બજાવતા પ્રફુલ ( પી.એન.) ગોરનું ભુજમાં વ્યાયામ શાળા વિસ્તારમાં આશાપુરા કોલોનીમાં આવેલું મકાન આ ઘટનામાં તસ્કરોના નિશાને ચડયું છે. 25 હજાર રોકડા, ત્રણેક તોલા વજનના સોનાના દાગીના અને 1400 ગ્રામ ચાંદીના ઘરેણાં વસ્તુઓ મળી 2.53 લાખની માલમતા આ મકાનમાંથી ચોરી જવાઈ છે.
પોલીસે ફરિયાદને ટાંકીને આ વિગતો આપતા જણાવ્યું હતું કે ગત જૂન મહિનામાં ઘરને તાળા મારીને મકાન માલિક પરિવારના સભ્યો ટંકારા ગયા હતા. આ દરમ્યાન ઘરફોડ ચોરીનો કિસ્સો બન્યો છે.
પડોશમાં રહેતા ગૃહિણીએ તાળા તૂટેલા જોતા મામલો બહાર આવ્યો હતો. શ્રી ગોરએ ભુજ આવી એ. ડિવિઝન પોલીસ મથકે ચોરી બાબતે ફરિયાદ દાખલ કરાવી હતી. તસ્કરોએ બંધ ઘરના તાળા તોડી ચોરીને અંજામ આપ્યો હોવાનુ ફરિયાદમાં લખાવાયું છે.
અગાઉની અનેક ઘરફોડ તસ્કરી અંગેના ગુના શોધાયા વગરના પોલીસના ક્રાઈમ ચાર્ટમાં જોવા મળી રહ્યા છે. તો આ પ્રકારની ચોરીઓમાં ડિટેક્શન પણ નબળું છે. આ વચ્ચે વધુ એક ઘટના બનતા પોલીસની દોડધામમાં વધારો થયો છે.