શ્રાવણ માસના પવિત્ર અવસર પર અબડાસામાં ડુમરા સ્થિત આનંદેશ્વર મહાદેવ મંદિર સંકુલ ખાતે નિત્ય મહાદેવ અને સ્થાપિત દેવોના પૂજન અને રુદ્રાભિષેક સાથે ૫૧૦૦ બિલીપત્ર પ્રત્યેક દિવસે અર્પણ કરવામાં આવશે સમગ્ર માસ દરમ્યાન 1.51 લાખ બીલીપત્ર ચડાવાશે. શિવયાગ (હવન ) અને સાંજે શિવ સહસ્ત્ર નામના પાઠ, શિવ ચાલીસા, હનુમાન ચાલીસા, શિવ તાંડવ, સુંદરકાંડ ના પાઠ પણ કરવામાં આવશે.
સોમવારના દિવસે વિવિધ દ્રવ્યો શેરડી નો રસ, બિલિફળનો રસ, નારિયેળ પાણી, દાડમનો રસ, મોસંબીના રસ દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવશે.
સાંજે દિવ્ય મહાઆરતી પણ કરવામાં આવશે. સંપૂર્ણ કર્મના આચાર્ય શાસ્ત્રી રાહુલ ભાઈ જોષી (નખત્રાણા વાળા) સાથે એમની ટીમ શાસ્ત્રી સાવનભાઈ જોષી, શાસ્ત્રી મીતભાઈ જોષી, શાસ્ત્રી મોહન ભાઈ જોષી, શાસ્ત્રી જય ભાઈ જોષી દ્વારા સંચાલિત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ મંદિરના મહંત બ્રહ્મલીન પ્રેમગિરી બાપુની પ્રેરણાથી દરેક શ્રાવણમાં આ ધાર્મિક કાર્યક્રમ યોજાય છે. જે તાલુકા સહિત સમગ્ર કચ્છમાં આકર્ષણરૂપ રહે છે. આ માટે ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ અને ડુમરા વિસ્તાર વિકાસ સમિતિ સહિતના વિવિધ દાતાઓનો ઉદાર સહયોગ અવિરત રહે છે.
મંદિરના મહંત રુદ્રગીરી બાપુના જણાવ્યા મુજબ તા. 13મીએ કલાકાર નિલેશ ગઢવી, પૂનમબેન ગઢવી અને રાજેશ ગઢવીનો શિવશાહી સંતવાણી નો કાર્યક્રમ યોજાશે. માંડવી પાતાંલેશ્વર મંદિરના દીપતાનંદજીના હસ્તે યજ્ઞનો પ્રારંભ થશે. સમગ્ર શ્રાવણમાં દરરોજ બન્ને ટાઈમ ભંડારો ચાલુ રહેશે. સાથે આખો મહિનો જીવદયાના વિવિધ કાર્યો પણ અવિરત રહેશે.