નવરાત્રિની મોટી અને હટકે સરપ્રાઈઝ, હવે ગરબી તમારા આંગણેનું નવતર આયોજન
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે, ભાવેશ લક્કી સેવા સ્મૃતિ ટ્રસ્ટ (ડુમરા) અને લક્કી ગ્રુપ ભુજ રવિવારથી શરૂ થઈ રહેલી આ વખતની નવરાત્રીમાં એક અનોખો ભક્તિ મહોત્સવ લાવી રહ્યા છે. ફરતી નમો નવરાત્રીના સ્વરુપે આ વખતે તમામ સુવિધા સાથે સજ્જ ગરબી ગરબે રમનારાના આંગણે સામેથી જશે.
શક્તિ અને ભક્તિનો તહેવાર નાનામાં નાનો માણસ પણ શ્રદ્ધા અને ઉમંગથી મનાવી શકે તેવા આશય સાથે આ નવતર કહી શકાય તેવું આયોજન ઘડી કઢાયું છે. આયોજકોના કહેવા મુજબ હવે ગરબા રમવા માટે દૂર જવાની જરૂર નથી, કારણ કે ગરબી પોતે સામેથી ખેલૈયાઓ માટે તેમના ઘરઆંગણે આવી રહી છે. આ ફરતી ગરબી શું છે ? અને
છેવાડાના વિસ્તારો સુધી ભક્તિ શક્તિની આરાધનાનો માહોલ કઈ રીતે જામશે તેની વિગતો આપતા આયોજક સંસ્થાના સંચાલકો કહે છે કે, ભુજના એવા વિસ્તારો, જ્યાં ગરીબ પરિવારો કે નાના બાળકો મોટા આયોજનો સુધી નથી પહોંચી શકતા, ત્યાં આ અત્યાધુનિક લાઈટિંગ અને સાઉન્ડથી સજ્જ રથ જાતે જશે અને તેઓને ગરબી રમાંડશે.
લોકલ ટેલેન્ટને આનાથી મોકો મળી રહેશે તો સ્થાનિક બાળકો અને બહેનોને આ રથ પાસે પોતાના વિસ્તારમાં જ ગરબા ગાવા અને કલા બતાવવાનું પ્લેટફોર્મ મળશે. તેવું આયોજન કરવામાં આવ્યું હોવાની વિગતો અપાઈ હતી. આ હરતી ફરતી નવરાત્રીની શરૂઆત કુક્મા સ્થિત માં આશાપુરા ડુંગરથી પ્રાર્થના અને આરતી સાથે તારીખ ૧૧-૧૦-૨૦૨૬ના સાંજે પાંચ વાગ્યાથી કરવામાં આવશે. આયોજકોએ આ હટકે ધાર્મિક કાર્યક્રમને લઈને એક જ સંકલ્પ રાખ્યો છે કે “ઉત્સવ દરેકના આંગણે, ભક્તિ દરેકના હ્રદયમાં અને સેવાની ભાવના સમાજના દરેક ખૂણે પહોંચવી જોઈએ.

