પશુ અને વાહન સહિત ૩.૨૦ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
રણકાંધિએ આવેલા હાજીપીર વિસ્તારમાં પશુઓની હેરાફેરી સામે પોલીસે કાર્યવાહી કરી મહિન્દ્રા પિકઅપમાં ભરીને લઈ જવાતાં એક ભેંસ અને એક પાડા સાથે બે શખ્સને ઝડપી પાડ્યા છે. પશુઓ ઘાસચારા અને પાણીની પૂરતી વ્યવસ્થા વિના તેમજ જરૂરી પરમિટ વગર લઈ જવાતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું. પોલીસે પશુ અને વાહન સહિત કુલ ૩.૨૦ લાખનો મુદ્દામાલ તપાસ અર્થે કબજે કર્યો છે. પોલીસ હેડ કોન્સ્ટેબલ કિરણકુમાર લાખાભાઈ નાથી હાજીપીર પોલીસ મથકએ લખાવેલી ફરિયાદ મુજબ, પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ભુજ તરફથી હાજીપીર તરફ આવતી સફેદ મહિન્દ્રા પિકઅપને લઈને આ કાર્યવાહી કરાઇ હતી. પોલીસે આ ગાડીમાં તપાસ કરતાં એક ભેંસ અને એક પાડો મળી આવ્યાં હતાં. ગાડીના ચાલકનું નામ અલી નૂરમહમદ જત ( રહે. મોતીચુર, તા. નખત્રાણા) અને તેની બાજુમાં બેઠેલા ઇસમનું નામ અયાજ ઇટ્રિશ જત (રહે. મોતીચુર, તા. નખત્રાણા) હોવાનું જાણવા મળ્યું હતું. પૂછપરછમાં બંને પાસે પશુઓની હેરાફેરી માટેની પરમિટ ન હોવાનું સામે આવ્યું હતું. તેઓ પશુઓને સરાડા તરફ લઈ જતા હોવાનું બહાર આવ્યું હતું.

