બે મહિલાની ધડપકડ : અનેક કેસના તાગ મળશે
ઘરફોડ ચોરીના ક્ષેત્રમાં પૂર્વ કચ્છ આદિપુર પોલિસે આંતરરાજ્ય ગુનાશોધન કાર્યવાહી કરી છે. જેને લઈને ઘરફોડ ચોરીના મોટા ગજાના કારસ્તાનનો વ્યવસ્થિત ભાંડો આ અંતર્ગત ફૂટ્યો છે.
મૂળ નેપાળની વતની બે મહિલા આરોપી આ કિસ્સામાં ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે પોલીસના સકંજામાં આવી ચૂકી છે.
પોલીસના જણાવ્યા મુજબ મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઘરકામના બહાને મકાન માલિકોનો વિશ્વાસ કેળવી કરોડથી વધુની ચોરી આ બન્નેએ કર્યાનો ખુલાસો પ્રાથમિક તપાસમાં થયો છે.
મહિલા આરોપીઓ મકાનમાં રહેતા સભ્યોની અવરજવર પર નજર રાખી સાથીદારોને માહિતી આપતિ હતી અને બાદમાં તસ્કરીને અંજામ અપાતો હોવાની મોડેસ ઓપરેન્ડી પણ પાધરી થઈ છે. મકાન માલિક પરિવાર સાથે બહાર જાય ત્યારે પૂર્વઆયોજિત આ રીતે ઘરફોડ ચોરી કરાતી હોવાની માહિતી બહાર આવી છે.
આદિપુર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે બંને મહિલાઓને ઝડપી પાડી હોવાનું કહ્યું હતું. મહારાષ્ટ્રમાં પુના અને થાણા સહિતના વિસ્તારોમાં 4 ઘરફોડ ચોરીના ગુના પ્રથમીક પૂછતાછમાં સપાટીએ આવ્યા છે. આ ટોળીએ કર્ણાટકના બેંગલોરમાં પણ ઘરફોડ ચોરી કર્યાની કબૂલાત પોલીસ સમક્ષ આપી છે.
આદિપુર ઉપરાંત મહારાષ્ટ્ર અને બેંગલોરના કુલ 6 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ખોળી કાઢવામાં હાલતુરત સફળતા મળી છે. તો ચોરી કરેલો સોના સહિતનો મુદ્દામાલ નેપાળ લઈ જઈ વેચી નખાતો હોવાનો ખુલાસો થતા પ્રકરણના તાર દેશની બહાર સુધી જોડાયેલા હોવાનું સ્પષ્ટ થયું છે.
બે મહિલા આરોપીઓ પાસેથી કુલ રૂ.1,85,790ની માલમતા કબજે કરાઈ છે. આ મુદ્દામાલમાં સોનાની ડાયમંડ રિંગ, મોબાઇલ ફોન અને ભારતીય રોકડ રકમનો સમાવેશ થાય છે.
અન્ય ત્રણ આરોપીઓના નામ પણ તપાસમાં સામે આવ્યા છે. જેમની શોધખોળ ચાલુ રખાઈ છે. આદિપુર પોલીસ સાથે સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશન અને એલસીબીની ટેકનિકલ ટીમે કામગીરીમાં સહયોગ આપ્યો હોવાનું સત્તાવાર સાધનોએ કહ્યું હતું.

