હર ઘર તિરંગા ઉજવણીને આખરી ઓપ અપાયો

ભુજમાં આયોજન બેઠકમાં સૂચના માર્ગદર્શન અપાયા

કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને હર ઘર તિરંગા કાર્યક્રમના સંદર્ભે આયોજન બેઠક યોજાઈ હતી. જેમાં ગ્રામ્યથી લઈને જિલ્લાકક્ષા સુધીના કાર્યક્રમોના આયોજન બાબતે માર્ગદર્શન પુરું પડાયું હતું. ૧૪ ઓગસ્ટના દિવસે ગાંધીધામમાં વિશાળ તિરંગા રેલીના આયોજન સાથે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાશે ૯ થી ૧૭ ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૬’ હેઠળ જિલ્લામાં ગ્રામ્યથી શહેરો સુધી વ્યાપક કાર્યક્રમો યોજાશે. તેવી વિગતો બેઠકમાં અપાઈ હતી. જિલ્લા કલેક્ટર
અનિલ રાણાવસિયાના અધ્યક્ષસ્થાને કચ્છમાં જિલ્લામાં આગામી સમયમાં યોજાનારા હર ઘર તિરંગા-૨૦૨૬ કાર્યક્રમના આયોજનને લઈને આ સમીક્ષા બેઠક યોજાઈ હતી. ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ ગુજરાત સરકાર દ્વારા આગામી ૯ થી ૧૭ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન સમગ્ર રાજ્યમાં ‘હર ઘર તિરંગા અભિયાન-૨૦૨૬’નું આયોજન કરવામાં આવશે. જે હેઠળ કચ્છમાં પણ ગાંધીધામ ખાતે જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા તથા વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાશે. તેવું જણાવાયું હતું.
કલેક્ટરએ બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓને ગ્રામ્યથી લઈને જિલ્લાકક્ષા સુધી સરકારની સૂચના અન્વયે તિરંગા યાત્રા, તિરંગા બાઇક, સાઇકલ કે ઇ-બાઇક રેલીના આયોજન તથા સેલ્ફી વીથ તિરંગા ડિજિટલ અભિયાન, વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી બાબતે માર્ગદર્શન પુરું પાડ્યું હતું. તિરંગા યાત્રા સાથે જ શાળા કોલેજમાં ક્વિઝ, વકતૃત્વ સહિતની સ્પર્ધાઓનું આયોજન કરવા તેમણે જણાવ્યું હતું. હર ઘર તિરંગા અભિયાનમાં નાગરિકો મહત્તમ સંખ્યામાં જોડાય તે રીતે જનભાગીદારીથી આયોજન કરવા તેમજ હર ઘર તિરંગા અભિયાન વિવિધ કાર્યક્રમોમાં જિલ્લાના ચૂંટાયેલા પદાધિકારીઓ, સરકારી સંસ્થાઓ, કચ્છમાં સ્થિત વિવિધ લશ્કરી પાંખોના યુનિટ, સ્વૈચ્છિક સંસ્થાઓ, એનજીઓ, સામાજિક સંસ્થાઓને સાથે રાખવા જણાવ્યું હતું.
હર ઘર તિરંગા અભિયાન- વંદે માતરમના ૧૫૦ વર્ષની થીમ હેઠળ રાષ્ટ્રધ્વજના સન્માનમાં સ્વતંત્રતા સપ્તાહ ૯ ઓગષ્ટથી ૧૭ ઓગષ્ટ દરમિયાન ગામડાઓ અને શહેરોની શાળા તથા કોલેજોમાં ખાસ તિરંગા યાત્રાનું આયોજન કરવા, તિરંગા વિતરણ કામગીરી, રસ્તાઓની સફાઈનું આયોજન કરવા બાબત બેઠકમાં સંબંધિત અધિકારીઓને સૂચના અપાઈ હતી. ઉપરાંત ખાસ કરીને સરહદના ૧૦૬ ગામોમાં એકતા અને દેશપ્રેમના માહોલ વચ્ચે નાગરિકો અને જવાનોની સહભાગિતા સાથે તિરંગાયાત્રા યોજવા તથા સરકારી તથા જિલ્લાની ઓળખ ધરાવતા સ્થળોને ત્રિરંગી લાઇટીંગથી સજાવટ કરવા જણાવાયુ હતું.
આ વર્ષે જિલ્લાકક્ષાની તિરંગા યાત્રા ૧૪ ઓગષ્ટના ગાંધીધામ ખાતે યોજાશે. તિરંગા યાત્રા બાદ વિભાજનની કરૂણ હકીકતો, બલિદાનની સ્મૃતિ અને ખાસ કરીને યુવા પેઢીમાં જાગૃતિ લાવવાના ઉદેશ સાથે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી હેઠળ કેન્ડલ લાઇટ શ્રદ્ધાંજલિ અને શાંતિ માર્ચ યોજાશે. ઉપરાંત તિરંગા અને વંદેમાતરમ પ્રદર્શનનું આયોજન કરાશે. આ બેઠકમાં ગાંધીધામ મ્યુનિસિપલ કમિશનર બી.ડી.દેવેરા, અધિક કલેક્ટર પ્રણવ વીઠાણી, પ્રાંત અધિકારીઓ સહિત સંબધિત વિભાગના અધિકારીઓ તથા આગેવાન ધવલ આચાર્ય, હિતેશ ખંડોર, મીત ઠક્કર, બાલકૃષ્ણ મોતા ઉપસ્થિત રહ્યા હતા.